સુરત: (Surat) પાલનપુર પાટિયા ખાતે સોનાના (Gold) હોલસેલનો વેપાર (Traders) કરતા વેપારીએ સ્કૂલ (School) સમયની મિત્રના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર લગ્ન (Marriage) પછીના ફોટો (Photo) જોયા હતા. એકતરફી પ્રેમમાં પાગલ વેપારીને આ વાતનું માઠું લાગી આવતાં તેણે પરિણીતાનું ફેક આઈડી (Fake ID) બનાવી સંબંધીઓને બીભત્સ મેસેજ (Message) કર્યા હતા. સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે વેપારીની ધરપકડ (Arrest) કરી હતી.
- પાલનપુર પાટીયા ખાતે રહેતી પરિણીતાના નામથી ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેના જ સંબંધીને બિભત્સ મેસેજ કરાયા
- પરિણીતાએ સાયબર પોલીસને અરજી કરતા તેના જ જૂના મિત્રએ તેને બદનામ કરી હોવાનો ભાંડો ફૂટ્યો
- પોલીસે પાલમાં રહેતા સોનાના હોલસેલના વેપારી હર્ષ શાહની ધરપકડ કરી
સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા ખાતે રહેતી પરિણીતાના નામથી ઇન્સ્ટાગ્રામ ઉપર અજાણ્યાએ ફેક આઈડી બનાવ્યું હતું. અને તેના પરથી પરિણીતાના સંબંધીઓને બીભત્સ મેસેજ કર્યા હતા. પરિણીતાએ સાબયર પોલીસને અરજી કરતાં આ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે સોનાના હોલસેલ વેપારી હર્ષ વિજય નટવરલાલ શાહ (ઉં.વ.24) (રહે.,વાસુદર્શન રેસિડન્સી, પ્રથમ સર્કલની આગળ, પાલ તથા મૂળ બનાસકાંઠા)ની ધરપકડ કરી હતી. વેપારીને આ અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, એ વર્ષ 2013-14માં ધોરણ-12માં સાથે અભ્યાસ કરતા હતા. ત્યારે તેને આ યુવતી સાથે એકતરફી પ્રેમ હતો. બાદમાં થોડા દિવસ પહેલાં તેનાં લગ્ન થઈ ગયા હોવાનું તેણે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જોયું હતું. આ જોઈને તેને માઠું લાગી આવતાં તેને પરિણીતાના ફોટો સાથેનું ફેક આઈડી બનાવી તેના સંબંધીઓને બીભત્સ મેસેજ કર્યા હતા.
પાર્લે પોઈન્ટમાં હીરાના વેપારીના ઘરમાંથી બે નોકરોએ જ 10.90 લાખના દાગીનાની ચોરી કરી
સુરત: પાર્લે પોઈન્ટ ખાતે રહેતા હીરા વેપારીનો પરિવાર મુંબઈ તેમના મકાનમાં રહેવા જવાના હોવાથી સામાન પેક કરતા હતા. ત્યારે કબાટમાંથી દાગીનાનું બોક્સ કાઢીને જોતાં સોનાના 10.90 લાખના દાગીના ગાયબ હતા. શાહ પરિવારને ઘરે કામ કરતાં બંને નોકર ઉપર શંકા જતાં ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાર્લે પોઈન્ટ ખાતે મેઘમયૂર પ્લાઝામાં રહેતા 29 વર્ષીય પ્રિત અતુલકુમાર શાહ મહિધરપુરામાં હીરાનો વેપાર કરે છે. પ્રિતભાઈએ તેમના ઘરે કામકાજ માટે બે નોકર રાખ્યા હતા. દીપક નામનો નોકર ચાર વર્ષથી ઘરે રસોઈ બનાવતો હતો તથા પ્રહલાદ ઉર્ફે છોટુ એકાદ વર્ષથી સાફસફાઈ કરતો હતો. શનિવારે સાંજે પ્રિતભાઈની પત્ની અને પુત્રી સાથે મુંબઈ તેમના મકાનમાં રહેવા જવાનું હોવાથી સામાન પેક કરતા હતા. પ્રિતભાઈની પત્નીએ કબાટમાંથી તેમના દાગીના કાઢીને જોતાં બોક્સમાં દાગીના નહોતા. બોક્સમાંથી સોનાનો હીરાજડિત હાર, સોનાની બે ચેઈન, વીંટી, એક હાર, બુટ્ટી મળીને કુલ 10.90 લાખના દાગીના ગાયબ હતા. ગત તા.6 જાન્યુઆરીએ તેઓ બહારગામ ગયા હતા. ત્યારે ઘરની જવાબદારી બંને નોકરને સોંપી ગયા હતા. સેફની ચાવીઓ બાજુના કબાટમાં મૂકીને ગયા હતા. જે કબાટ ખુલ્લો હતો. જે-તે સમયે જોતાં તેમના સેફના લોક કે તિજોરીના લોક તૂટેલા નહોતા. શાહ પરિવારને આ ચોરી તેમના ઘરના નોકરોએ કરી હોવાની શંકાને આધારે પ્રિતે ઉમરા પોલીસ સ્ટેશનમાં રગારામ ઉર્ફે દીપક ચમનારામ રબારી અને પ્રહલાદ હેમા ચૌધરીની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.