SURAT

પીજી નીટની પરીક્ષામાં મેરીટ લીસ્ટમાં નામ નહીં આવતા સુરતના તબીબનો આપઘાત

સુરત: (Surat) અડાજણ ખાતે રહેતા એમબીબીએસનો (MBBS) અભ્યાસ પૂર્ણ કરી પીજી નીટની પરીક્ષા (Exam) આપનાર તબીબે મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતા નાસીપાસ થઈ ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અડાજણ પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

  • અડાજણમાં એમબીબીએસ તબીબનો આપઘાત: પીજી નીટની પરીક્ષામાં મેરીટ લીસ્ટમાં નામ નહીં આવતા પગલું ભર્યું
  • શ્રેયશ પીજીમાં એડમીશન મેળવી સર્જન બનવા માંગતો હતો
  • એકના એક પુત્રના આપઘાતથી પરિવાર શોકમાં સરી પડ્યો


નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે સુરભી રો-હાઉસમાં રહેતા દીપકકુમાર મોદી સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પત્ની અડાજણ સ્થિત મહેસાણા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે. તેમને સંતાનમાં એક 26 વર્ષીય પુત્ર શ્રેયશ છે. તેણે ત્રણ વર્ષ પહેલા નવી સિવિલ હોસ્પિટલમાંથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને ત્રણ વર્ષથી માંડવી ખાતેની હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. તેણે સર્જન બનવું હોવાથી પીજી નીટની પરીક્ષાની તૈયારી પણ ચાલું રાખી હતી. પરંતુ તેનું પીજીનું રિઝલ્ટ આવતા મેરિટ લિસ્ટમાં તેનું નામ નહોતું.

મેરિટમાં નામ નહીં આવતા તેને આઘાત લાગ્યો હતો. અને ત્રણ વર્ષથી નીટ માટે કરેલી મહેનત જાણે પાણીમાં જતી રહી તેમ વિચારી તેને આવેશમાં આવીને ગઈકાલે સાંજે ઘરે પહેલા માળે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. અને છતમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવને પગલે અડાજણ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અને પરિવારના નિવેદન લઈને વધારે તપાસ હાથ ધરી છે. શ્રેયશ પરિવારમાં એકનો એક સંતાન હતો. તેને ભરેલા પગલાંથી પરિવારમાં સૌકોઈ ચોંકી ગયા છે અને આઘાતમાં સરી પડ્યા છે.

Most Popular

To Top