સુરત: (Surat) શહેરના સિંગણપોર ખાતે એમ્બ્રોઈડરીના કારખાનેદારને (Embroidery machine) મામા-ભાણેજે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 4 લાખ રૂપિયામાં તથા તેના મિત્રને સોનાની (Gold) સસ્તી બિસ્કીટ આપવાના બહાને 4.75 લાખ રૂપિયાનો ચુનો ચોપડ્યો (Fraud) હતો. સિંગણપોર પોલીસે 8.75 લાખની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
સિંગણપોર ખાતે હરીકૃષ્ણ રેસીડેન્સીના નવો મહોલ્લામાં રહેતા 31 વર્ષીય રીતેશભાઈ ગોવિંદભાઈ પટેલ કતારગામ જીઆઈડીસી ખાતે એમ્બ્રોઈડરી મશીન ધરાવે છે. પાંચ-છ વર્ષ પહેલા રીતેશ લલીતા ચોકડી પાસે નિલકંઠ સોસાયટીના ગેટ પાસે બેસવા જતા હતા. ત્યાં આશિષ આંબલીયા નામનો વ્યક્તિ આવીને તેના શેઠ વિરેશ રવજી તરસરીયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ધનવાન થયા હોવાની વાતો કરતો હતો અને તેને રીતેશને થોડા પૈસા હોય તો તેમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. બાદમાં વિરેશ સાથે ફોન પર વાત કરાવી હતી. રીતેશે બાદમાં વિરેશના ખાતામાં બે લાખ ટ્રાન્સફર કર્યા હતા. બીજી વખત બે લાખ વિરેશના ભાગીદાર જીતેશ જયંતી વરીયાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
રીતેશે કુલ ચાર લાખ રૂપિયા વિરેશને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે આપ્યા હતા. આ રૂપિયા બિનાન્સના ક્રિપ્ટો એકાઉન્ટમાં યુએસડીટી નંગ-5178 રીતેશને 77.25 રૂપિયાના ભાવે મળશે અને તેના ખાતામાં પાંચ મિનિટમાં જમા થઈ જશે તેવું જણાવ્યું હતું. ત્રીસ મિનિટ પછી પણ જમા નહીં થતાં વિરેશે હોંગકોંગથી 15 મિનિટમાં જમા થશે, મારી વાત ચાલું છે, તેમ કહ્યું હતું. બાદમાં માત્ર 178 યુએસડીટી ટ્રાન્સફર થયા હતા. બાકીના 5 હજાર યુએસડીટી ટ્રાન્સફર નહીં થતાં રીતેશે તેની ઉઘરાણી શરૂ કરી હતી. જેથી વિરેશે હવે જો હેરાન કરશે, તો જાનથી મારવાનું કહીને ખોટા કેસમાં ફસાવવા ધમકી આપી હતી. આ અંગે સિંગણપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મામા-ભાણેજની સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ સોનાની સસ્તી બિસ્કીટ આપવાના બહાને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જે કેસમાં તેમની ધરપકડ પણ થઈ ચૂકી છે.
આ રીતે સોનાની બિસ્કીટ આપવાની લાલચ આપી
ડભોલી ખાતે શુકનવેલી રેસીડેન્સીમાં રહેતા સંજયભાઈ કનૈયાલાલ ધોળકીયાને વિરેશ તરસરીયા બીટકોઈન અને સોનાની બિસ્કીટ વેચાણ કરવાનો ધંધો કરતો હોવાનું કહી લાલચ આપી હતી. સોનાની બિસ્કીટનો ભાવ 4.75 લાખ નક્કી કરી સંજયભાઈને આપી હતી. સંજયભાઈને સિલ્વરસ્ટોન આર્કેડ ખાતે સ્ટેટ બેંકની બહાર લાલ મર્સડીઝ (જીજે-05-એનજે-6490)માં બેસેલા વ્યક્તિ પાસે પૈસા આપવા મોકલ્યો હતો. વિરેશ ભાઈએ પૈસાની બેગ લઈને આશિષને આપી હતી અને આશિષ દસ મિનિટમાં બિસ્કીટ લઈને આવે તેમ કહી નીકળી ગયો હતો. બાદમાં વિરેશ પણ જતો રહી છેતરપિંડી કરી હતી.