સુરત: (Surat) દુબઈ વર્લ્ડ એક્સ્પો-2020માં તા.31-10થી તા.06-11 દરમિયાન અર્બન રૂરલ ડેવલપમેન્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈલેક્ટ્રિક મોબિલિટી મૂવિંગ ટુ વર્ડ સસ્ટેનેબલ ફ્યુચરના વિષય પર તા.3-11 એ મહત્ત્વની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મનપા કમિશનર બંછાનીધી પાનીએ ઓનલાઈન આ ઈવેન્ટમાં ભાગ લઈ દેશભરમાં સૌ પ્રથમ સુરતમાં લાગુ કરાયેલી ઈલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) પોલિસી વિશે માહિતી આપી હતી.
- દુબઈ એકસ્પો-2020માં મ્યુનિ.કમિ.એ વર્ચ્યુઅલી હાજરી આપી ઈ-વ્હીકલ પોલિસી વિશે પ્રભાવી પ્રેઝન્ટેશન આપ્યું
- મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધામાં મેટ્રો રેલ, બીઆરટીએસ, સિટી બસ, ઓટો વગેરે મહત્ત્વનું યોગદાન આપી શકે છે
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંકમાંથી 20% એટલે કે 40,000 જેટલાં ઇલેક્ટ્રિક વ્હીકલ આગામી 4 વર્ષમાં સુરત શહેરની પરિવહન વ્યવસ્થામાં સામેલ થશે. એ માટે મનપા દ્વારા 500 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન, વ્હીકલ ટેક્સમાં માફી, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જમાં રાહત, ફ્રી પાર્કીંગ સુવિધા તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવશે તેમ તેઓએ વિગતો આપી હતી. આ ઈવેન્ટમાં મનપા કમિશનરને સવાલો પણ કરાયા હતા.
જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતર્ગત હાલમાં કાર્યરત 800 જેટલી સિટી બસ, બીઆરટીએસ બસમાંથી આગામી વર્ષના અંત સુધીમાં કુલ 500 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન પણ કરાયું છે. સુરતની ઓળખ બ્રિજ સીટી અને ડાયમંડ સીટી તરીકે છે પરંતુ આગામી દિવસોમાં ઇવ્હીકલ સીટી તરીકેની ઓળખ સુરતની બને તેવા અમારા પ્રયાસ છે. શહેરમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એવી હોવી જોઈએ કે જે નાગરિકોને ફર્સ્ટ માઈલ તેમજ લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડી શકાશે. અને જે મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા સાકારિત થઇ શકે છે. મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધામાં મેટ્રો રેલ, બીઆરટીએસ, સિટી બસ, ઓટો વગેરે મહત્ત્વનું યોગદાન આપી શકે છે અને આ સુવિધા પણ નાગરિકોને પોષાય એ મુજબની હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.