સુરત: (Surat) શહેરના સરથાણા વિસ્તારમાં જકાતનાકા પાસે આવેલ શાંતિવન સોસાયટીમાં આજે એક પરિવાર ઘરના પાર્કિંગમાં ઇલેક્ટ્રિક બાઈક (Electric Bike) ચાર્જિંગમાં (Charging) મૂકીને સૂતો હતો. આ દરમિયાન વહેલી સવારે અચાનક જ ઈ-બાઇકમાં શોર્ટસર્કીટ બાદ અચાનક જ આગ (Fire) લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘરમાં સૂતેલો પરિવાર તાત્કાલિક બહાર દોડી આવ્યો હતો જો કે, ત્યાં સુધીમાં આખી બાઈક આગની ઝપેટમાં આવી ગઈ હતી અને તેના કારણે મીટર પેટીમાં પણ આગ ભડકી ઉઠી હતી. બનાવને પગલે ફાયરબ્રિગ્રેડને (Fire Brigade) જાણ કરવામાં આવતા કાપોદ્રા ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર સાથે ફાયરબ્રિગ્રેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો કરી આગને કાબૂમાં લીધી હતી.
- શહેરમાં વધુ એક ઈ-બાઇક સળગી ઉઠી : સરથાણામાં ચાર્જિંગમાં મુકેલી બાઇક વહેલી સવારે ભડથુ થઇ ગઇ
- પાર્કિંગમાં ચાર્જીગમાં મુકેલી બાઇકમાં, આગ લાગતા ભાગદોડ મચી, આગને કારણે બાઈક અને મીટર પેટી બળીને ખાક
બનાવની વિગત એવી છે કે સરથાણા જકાતનાકા પાસે આવેલ શાંતિવન રો હાઉસ વિભાગ-૨માં ૧૨૭/૧૨૮ માં રહેતા સંજયભાઈ વેકરિયાએ વહેલી સવારે પોતાની ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગમાં મૂકી હતી અને ત્યારબાદ તેઓ પરિવાર સાથે પરત ઘરમાં ઊંગી ગયા હતા. જોકે સવારે અચાનક જ ઇલેક્ટ્રિક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને અહીં અફરાતફરી મચી જવા પામી હતી. બાઈકમાં આગ લાગ્યા બાદ પાર્કિંગમાં આગ પ્રસરી હતી. જેને લઈને સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગ ઘરમાં મીટર પેટીમાં પણ પ્રસરી ગઈ હતી. જેના કારણે ઘરમાં રહેલા લોકો પણ ગભરાઈ ગયા હતા. બનાવને પગલે ફાયરબ્રિગ્રેડ કંટ્રોલમાં જાણ કરવામાં આવતા કાપોદ્રા ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.