ચૂંટણી પ્રચાર (Election Campaign) દરમિયાન પોતાના નિવેદનને લઈને ક્ષત્રિયા સમાજના વિરોધથી ઘેરાયેલા ભાજપના (BJP) લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા (Purshottam Rupala) રવિવારે સુરત પહોચ્યા હતા. રૂપાલાએ ઉમિયા માતાના દર્શન કર્યા હતા. પાટીદાર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં રૂપાલાએ બેઠક કરી હતી. જોકે તેમણે ખૂબજ ટુંકમાં પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું. સુરત શહેરને તેમણે મિની ભારત ગણાવ્યું હતું.
ક્ષત્રિય સમાજ ના વિરોધ બાદ રૂપાલાએ હવે પાટીદારોને રીઝવવાના પ્રયાસ શરૂ કર્યા છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે ટિપ્પણી કર્યા બાદ તેઓ ક્ષત્રિયોનો જબરજસ્ત વિરોધનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અંગ્રેજોના સમયમાં સૌથી વધુ દમન રૂખી સમાજ સાથે થયું પરંતુ સમાજ નહોતો ઝૂક્યો. મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતા. રૂપાલાના આ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. એવામાં તેઓએ પાટીદારોને રિઝવવા સુરતમાં આગમન કર્યું હતું.
સુરત પહોંચેલા રુપાલાએ રવિવારે ઉમિયાધામ મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા હતા અને આર્શીવાદ લીધા હતા. ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને ભોજન લીધું હતું. જોકે ક્ષત્રિય સમાજના ભારે વિરોધને જોતા રૂપાલાએ અહીં કોઇ પણ સમાજ વિશે બોલવાનું ટાળ્યું હતું. સુરતને તેઓએ ‘મિની ભારત’ ગણાવ્યું હતું.