SURAT

તંત્ર પ્રત્યે સુરતીઓમાં રોષ: ચૂંટણીમાં છૂટોદોર આપ્યા બાદ હવે તહેવારોમાં લગામ ખેંચે છે

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની (Election) જાહેરાત થતા જ વિવિધ પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જેનું પરિણામ હવે તમામ શહેરીજનો ભોગવી રહ્યા છે. ચૂંટણી પહેલા શહેરમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી ગયું હતું. પ્રતિદિન માત્ર 30 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાતા હતા. પરંતુ ચૂંટણી બાદથી શહેરમાં કોરોના સંક્રમણમાં ફરી ઉછાળો આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર અને વિજય સરઘસમાં મનપા અને પોલીસ તંત્રએ આંખ આડા કાન કરીને હજારો લોકોની મેદની ભેગી થવા દીધી હતી. પરંતુ હવે આગામી દિવસોમાં હોળી ધુળેટીના (Holi Duleti) તહેવારમાં મનપા તંત્ર કોવિડના નિયમોનો અમલ કરાવવા આગળ આવી છે.

સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરીને જાહેરમાં તહેવારની ઉજવણી નહી કરવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ અટકાવવા માટે એક બીજાને કલર નહી લગાવવા માટે પણ સુચના આપી છે. ચૂંટણી બાદ પણ પરિણામો જાહેર થતાં જ ભાજપ અને આપના કાર્યકર્તાઓ દ્વારા જનમેદની ભેગી કરીને ગુલાલો ઉડાડીને વિજયની ઉજવણી કરી હતી. જેમાં માસ્ક પણ ન હતા કે, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ન હતું. ત્યારે તંત્રએ માત્ર તમાશો જોયો હતો. પરંતુ હવે તહેવારો આવતા જ સામાન્ય લોકોને દંડવા માટે તંત્રએ લાલ આંખ કરી છે.

તંત્રએ હોળીની ધામધુમથી ઉજવણી કરતાં સમાજના અગ્રણીઓ અને માર્કેટના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જેમાં હોળી ધુળેટીની ઉજવણીમાં લોકોને ભેગા નહી કરવા માટે સૂચના આપી હતી. હોળી અને ધુળેટીના તહેવારમાં લોકોએ પોતાના ઘરે જ સેલિબ્રેશન કરવું અને તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય તેવા કાર્યક્રમ રદ્દ કરવા તેવી સૂચના આપી છે. તંત્રની બેવળી નીતિથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ખાનગી હોસ્પિટલમાં મનપા દ્વારા ફ્રી બેડની વ્યવસ્થા કરવા રજૂઆત

સુરત: શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધ્યું છે. પ્રતિદિન 100 થી વધુ પોઝિટિવ દર્દીઓ હવે નોંધાઈ રહ્યા છે. એકસમયે બિલકુલ કાબૂમાં આવી ગયેલા કોરોનાના સંક્રમણમાં ફરીવાર વધારો આવતાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. જેથી હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા માટે ફરીથી મનપા દ્વારા ફ્રી બેડની વ્યવસ્થા કરવામાં આવે તે માટે પૂર્વ ડે.મેયર નીરવ શાહ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારે હતું ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ફ્રી બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના લોકોએ ખૂબ જ લાભ લીધો હતો. હવે ફરીવાર કોવિડના પોઝિટિવ કેસો વધવાની શરૂઆત થઈ રહી છે. હોસ્પિટલોમાં પણ મોંઘી સારવાર લઈને પ્રજાજનો આવી પરિસ્થિતિમાં આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. જેથી ફરીવાર ખાનગી હોસ્પિટલોમાં મનપાના ફ્રી બેડની વ્યવસ્થા કરવા માટે તેઓએ રજૂઆત કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top