SURAT

ભરોસાની સરકાર પર આપને ‘ભરોસો’ નથી! કાર્યકરોનો ઈવીએમના સ્ટ્રોંગરૂમની બહાર પહેરો

સુરત : દર વખતે ચૂંટણી (Election) બાદ ઈવીએમનો (EVM) મુદ્દો ચર્ચાનો વિષય બને છે. વિપક્ષ દ્વારા ઈવીએમમાં ચેડા કરાયા હોવાના આક્ષેપ કરવામાં આવે છે. શાસકો દ્વારા ચૂંટણી બાદ ઈવીએમમાં કોઈ ગડબડ તો નથી કરવામાં આવી રહી તેવો ભય વિપક્ષને સતાવતો જ રહેતો હોય છે. સુરતમાં (Surat) આ વખતે ભાજપ (BJP) અને આપ (AAP) વચ્ચે ઘણી સીટો પર કાંટે કી ટક્કર છે ત્યારે ઈવીએમ મશીન જે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે ત્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દિવસ રાત પહેરો ભરી રહ્યા છે. અને સીસીટીવી (CCTV) કેમેરાની મદદથી ઈવીએમ પર સતત નજર રાખી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે અને ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે. તમામ ઈવીએમ મશીનો એસવીએનઆઈટી અને ગાંધી કોલેજમાં મુકવામાં આવ્યા છે. ઈવીએમ મશીન જે સ્ટ્રોંગ રૂમમાં મુકાયા છે તે રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે અને તેના ડિસ્પલે કોલેજ કેમ્પસમાં મુકાયા છે. જેથી ઈવીએમ મશીનો પર બહાર કેમ્પસમાં બેસી પણ નજર રાખી શકાય તેમ છે. આમ આદમી પાર્ટીને ભાજપ પર ભરોસો ન હોય, તેઓ દ્વારા કેમ્પસમાં જ ગાદલા ગોઠવી દિવસ રાત ઈવીએમ પર નજર રાખી રહ્યા છે. આપના કાર્યકર્તાઓ વારાફરતી જાગીને ઈવીએમ પર નજર રાખી રહ્યા છે. જેનો સીધો અર્થ એ જ છે કે, હજી પણ રાજકીય પાર્ટીઓને ઈવીએમમાં છેડછાડ થતી હોય તેવી શંકા છે જ. દર વખતે ચૂંટણી ટાણે ઈવીએમમાં છેડછાડની ફરીયાદ ઉઠતી જ હોય છે. અને ખાસ કરીને ચૂંટણી પરિણામના દિવસે આ ચર્ચા થાય જ છે.

Most Popular

To Top