સુરત: (Surat) એક વર્ષથી કોરોના મહામારી સામે લડાઇ લડી રહેલા સુરત મનપાન તંત્રએ અથાક મહેનત બાદ કોરોનાનું સંક્રમણ કાબુમાં લઇને રોજીંદા અઢીસો દર્દીઓ પર પહોંચી ગયેલા કોરોનાને રોજીંદ 30 દર્દીથી નીચે લાવી દીધુ હતું. જો કે ચૂંટણી (Election) આવતા જ સત્તાના મદમાં બેફામ બનેલા ભાજપના નેતાઓ અને તેની દેખાદેખીમાં અન્ય રાજકીય પક્ષોએ જે રીતે કોવિડ ગાઇડલાઇનની ઐસી તૈસી કરીને સભા-સરધસો અને ચૂંટણી પ્રચારના નામે તાયફાઓ કર્યા તેમાં ફરી એકવાર સુરત કોરોનાના ખપ્પરમાં હોમાઇ ગયું છે. અને ફરી એકવાર રોજીંદા દર્દીઓની સંખ્યા જુન-જુલાઇમાં હતા તેવા ભયાવહ માહોલ તરફ આગળ વધી રહી છે. જંગી બહુમતી અને શહેર ભાજપના નેતાઓના સતત દબાણ હેઠળ કામ કરતા સુરત મનપાના તંત્ર અને પોલીસને પણ કોરોનાના (Corona) સતત વધી રહેલા સંક્રમણ પાછળ આ સભા સરઘસો જવાબદાર હોવાનુ નજરે દેખાતું હોવા છતા ‘સત્તા આગળ સાણપણ નક્કામુ’ની કહેવત મુજબ મજબુર બનીને આંખ આડા કાન કરવા પડી રહ્યા છે.
સુરતમાં હવે દરરોજ 100થી વધુ પોઝિટિવ દર્દીઓ હવે નોંધાઈ રહ્યા છે. એક સમયે કાબુમાં આવી ગયેલા કોરોનાના સંક્રમણમાં ફરીથી ઉછાળો આવતા તંત્રની ચિંતા પણ વધી છે. રવિવારે શહેરમાં વધુ 125 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને કુલ આંક 41,339 પર પહોંચ્યો છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં એક પણ મોત નોંધાઈ રહ્યા નથી. તેમજ વધુ 78 દર્દીઓ ડિસ્ચાર્જ થતા અત્યારસુધીમાં 39,927 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અને રીકવરી રેટ 96.58 ટકા પર પહોંચ્યો છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
- ઝોન પોઝિટિવ દર્દી
- અઠવા 49
- રાંદેર 23
- સેન્ટ્રલ 13
- કતારગામ 10
- વરાછા-એ 10
- ઉધના 08
- લિંબાયત 07
- વરાછા-બી 05
ટેક્સટાઈલ ક્ષેત્રમાં પણ કોરોનાનો ફરી વિસ્ફોટ : એક જ દિવસમાં 22 લોકો પોઝિટિવ
સુરત: શહેરમાં છેલ્લા થોડા સમયથી કોરોના વાયરસના સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી પ્રતિદિન 100 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શહેરની વિવિધ ટેક્સટાઈલ માર્કેટોમાં 22 જેટલા કોરોનાના પોઝિટિવ કેસો મળી આવ્યા છે. જેમાં 15 જેટલા ટેક્સટાઈલ માર્કેટના માલિકો છે. વરાછા ઝોન વિસ્તારમાં 2, કતારગામ ઝોન વિસ્તારમાં 1 અને લિંબાયત ઝોન વિસ્તારમાં 4 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા છે. જેથી ટેક્ષટાઈલના ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે તે માટે તેઓ જરૂરી તકેદારી રાખે અને પોતાનું ટેસ્ટીંગ કરાવે અને એસ.ઓ.પી નું ચુસ્તપણે પાલન કરે તેમ મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.
શહેર બહારથી કોરોનાનો પગપેસારો પણ યથાવત, વધુ 18 લોકો પોઝિટિવ મળી આવ્યા
શહેરમાં જે લોકો અન્ય શહેરો, રાજ્યો કે વિદેશથી ટ્રાવેલ કરી સુરત શહેરમાં પરત આવે છે. તેવા લોકો વધુ પ્રમાણમાં કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. રવિવારે અઠવા ઝોન વિસ્તારમાં બહારગામથી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 18 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં રાજસ્થાનના 5, મુંબઈના 4, ગોવાના 1, ડેડીયાપાડાના 1, કોસમલના 1, પૂના 1, ધુલીયાના 1, અમદાવાદના 1, વલવી મહેસાણાના 1, રામેશ્વરમના 1 અને નાસિકના 1 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આવા તમામ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો બહાર નીકળીને અન્ય લોકોના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ પહેરેલું માસ્ક ઉતારી નાંખે છે. પરિણામે તેઓ કોરોના સંક્રમિત થાય છે અને અન્ય વ્યકિતઓ પણ તેમના સંપર્કમાં આવવાથી કોરોના વાઈરસના સંક્રમણનો ભોગ બને છે. જેથી શહેર બહારથી આવનારા લોકો તુરંત ટેસ્ટ કરાવી ક્વોરન્ટાઈન થાય તેવી અપીલ મનપા દ્વારા કરવામાં આવી રહી છે.
રવિવારે સ્વૈચ્છિક બંધ રાખવાની મનપાની અપીલના કારણે મોલ બંધ રહ્યા
શહેરમાં વધી રહેલા સંક્રમણ માટે મોટા ભાગે રાજકીય પક્ષોના કાર્યક્રમો જવાબદાર છે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. પરંતુ તેની સામે તો કોઇ કાર્યવાહી નહી કરી શકનારા સુરત મનપાના તંત્ર દ્વારા વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને રવિવારે શોપીંગ મોલ અને મોટા સ્ટોર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જેના પગલે અમુક મોલને બાદ કરતા મોટા ભાગને મોલ બંધ રહ્યા હતા. જો કે તેમાં મોલ સંચાલકોની ઇચ્છાને બદલે મનપાની ધાક વધુ જવાબદાર હતી.