SURAT

જાણો સુરતમાં 30 વોર્ડ અને 120 બેઠકો માટે કેટલા ઉમેદવારો ફાઈનલ થયા

સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Surat Municipal Corporation Election) પ્રક્રિયામાં મંગળવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ દરમિયાન કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતા. મંગળવારે પરત ખેંચાયેલા ઉમેદવારીપત્રોમાં વોર્ડ નં.3 વરાછાના બે કોંગ્રેસી ઉમેદવારો મુખ્ય હતા. એ સિવાય બાકીના તમામ ઉમેદવારો અપક્ષ હતા. ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો માટે હવે 484 ઉમેદવારો (Candidates) મેદાનમાં રહ્યાં છે. જેમાં ભાજપના 120 બેઠકો પર 120 ઉમેદવાર, કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીના કુલ 114 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ ખેલાશે. આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે વરાછા, લસકાણા વોર્ડ નં.3ની કોંગી પેનલ આખો દિવસ ચર્ચામાં રહી હતી. સવારથી જ આ વોર્ડના કોંગ્રેસી ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાના છે એવી વહેતી થયેલી વાતોને પગલે સુડા ભવન ખાતે હલચલ જોવા મળી હતી. આ વોર્ડમાં બે કોંગ્રી ઉમેદવારો જ્યોતિકાબેન સોજિત્રા અને કાનજીભાઇ ભરવાડે ઉમેદવારી મંગળવાર પરત ખેંચી લીધી હતી.

તમામ ઉમેદવારોને ચૂંટણી ચિન્હો પણ ફાળવી દેવામાં આવ્યાં

સુરતના તમામ રિટર્નિંગ ઓફિસરોએ બેલેટ યુનિટ માટેના બેલેટ પેપર પ્રિન્ટ કરવાની પ્રોસિઝર હાથ ધરી દીધી છે. આજે તમામ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવાની વિધી પણ પુરી કરી દેવામાં આવી છે. સાથોસાથ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ માટેની નોંધપોથી પણ ફાળવી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગત ટર્મ કરતા કોર્પોરેટરની 4 સીટ વધી જેની સામે ઉમેદવારો 49 વધ્યાં

આ વખતની મનપાની ચૂંટણીમાં ગત ટર્મ કરતા માત્ર 4 બેઠકો વધી 120 થઇ છે. જેની સામે ગત ટર્મ કરતાં 49 ઉમેદવારો વધુ છે. ગત ટર્મમાં મનપા ચૂંટણીમાં 434 ઉમેદવારો હતા.

વોર્ડ નં.27માં સૌથી વધુ 28 ઉમેદવાર, જ્યારે વોર્ડ નં. 15માં સૌથી ઓછા 12 જ ઉમેદવારો

ફાઇનલ થયેલા ચૂંટણી ચિત્રમાં હવે કુલ 30 વોર્ડ પૈકી સૌથી વધુ 28 ઉમેદવારો વોર્ડ નં.27માં રહ્યાં છે. આ વોર્ડમાં 11 અપક્ષો છે. જ્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના 4-4-4 ઉમેદવારો છે. સૌથી ઓછા ઉમેદવારો વોર્ડ નં.15 મગોબ ખાતે નોંધાયા છે. અહીં ફક્ત 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.

  • વોર્ડ નં. બીજેપી કોંગ્રેસ આપ અપક્ષ અન્ય પરત ટોટલ
  • 1 4 4 4 5 5 1 22
  • 2 4 4 4 1 4 0 17
  • 3 4 1 4 2 2 3 13
  • 4 4 4 4 1 0 0 13
  • 5 4 4 4 1 2 0 15
  • 6 4 4 4 0 1 0 13
  • 7 4 4 4 0 2 0 14
  • 8 4 4 4 3 8 0 23
  • 9 4 4 4 1 2 0 15
  • 10 4 4 4 2 0 3 14
  • 11 4 4 4 1 0 0 13
  • 12 4 4 4 1 3 0 16
  • 13 4 4 3 1 1 1 13
  • 14 4 4 4 0 3 1 15
  • 15 4 4 4 0 0 1 12
  • 16 4 4 4 0 5 0 17
  • 17 4 4 4 2 2 0 16
  • 18 4 4 2 0 5 2 15
  • 19 4 4 4 1 3 1 16
  • 20 4 4 3 0 2 0 13
  • 21 4 4 4 3 1 0 16
  • 22 4 4 4 5 4 0 21
  • 23 4 4 4 1 0 0 13
  • 24 4 4 4 2 1 0 15
  • 25 4 4 3 0 3 0 14
  • 26 4 4 4 3 1 1 16
  • 27 4 4 4 11 5 0 28
  • 28 4 4 4 1 5 1 18
  • 29 4 4 4 4 5 0 21
  • 30 4 4 3 3 3 0 17
  • ટોટલ 120 117 114 55 78 15 484

મતદાન સાથે સંકળાયેલા તમામ સ્ટાફનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે

સુરત: સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નિયુકત કરવામાં આવેલા ઓબ્ઝર્વર રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સુરતના આર.ઓ. તથા નોડલ ઓફિસરો સાથે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેકટરાલયના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ચૂંટણીની આચારસંહિતા સહિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે સંબંધિત નોડલ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કોરોના મહામારી વચ્ચે મતદાનમથકો પર મતદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે, સેનિટાઈઝેશન સહિતની વ્યવસ્થાઓ સુદ્ઢ થાય તે માટે તકેદારી લેવાની હિમાયત ઓબ્ઝર્વરએ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા મતદાન સાથે સંકળાયેલા તમામ મતદાન સ્ટાફનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે.

ઉપરાંત કોરોના મહામારી વચ્ચે તકેદારીના ભાગરૂપે મતદાતાઓને હેન્ડ ગ્લોવ્ઝ આપીને મતદાન કરાવવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ચૂંટણી સાથે સંકળાયેલા તમામ ઈવીએમ, વાહનો, મટિરીયલ મેનેજમેન્ટ, સ્વીપની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ચૂંટણીતંત્ર દ્વારા મતદારોને મતદાન સ્લીપ સમયસર મળી રહે તે અંગે ઓબ્ઝર્વરએ સૂચના આપી હતી. ચૂંટણી સાથે સંકળાયેલા તમામ સ્ટાફને તાલીમબદ્ધ કરવા સહિતની કામગીરી કરવાની સૂચના આપી હતી. આ વેળાએ શહેર ચૂંટણી અધિકારી ડો.ધવલ પટેલ, નિવાસી અધિક કલેકટર અને નોડલ અધિકારી સંજય વસાવા તેમજ તમામ આર.ઓ. તથા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top