સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્યપક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, તેમાંથી કોણ ચૂંટાઇને સુરત મનપના સામાન્યસભાના હોલમાં બેસશે તે તો સમય જ કહેશે પરંતુ આ બન્ને પક્ષે ટિકિટની (Ticket) ફાળવણીમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને કેટલી ધ્યાને લીધી છે, તે બાબત ઘણી રસપ્રદ છે. આપણે ત્યાં સામાન્ય રીતે એવી ચર્ચા કાયમ જ થતી રહે છે કે સામાન્ય પટ્ટાવાળાથી કલાર્ક સુધીની નોકરી માટે ચોકકસ શૈક્ષણિક લાયકાત નકકી કરાઇ છે. સામાન્ય રીતે કોઇ પણ જગ્યાએ કામ માટે જનાર વ્યક્તિને એક સવાલ જરૂર પુછાતો કે કેટલી ચોપડી ભણ્યો તેનો મતલબ એ થતો કે કેટલા ધોરણ ભણ્યો, પરંતુ રાજકારણમાં (Politics) અભણને પણ ઉંચામાં ઉંચા પદે બેસાડવામાં કોઇ છોછ નથી હોતો. જો કે સુરત જેવા વિશ્વકક્ષાના સ્માર્ટ શહેરની કરુણતા એ છે કે આ શહેરનો વહીવટ સંભાળનારા 120 નગર સેવકોની સ્પર્ધામાં 65 ઉમેદવારો એવા છે જે 10 પાસ પણ નથી.
ભાજપના (BJP) ઉમેદવારો પર નજર કરીએ તો ભાજપે 31 એવા ઉમેદવારને ટિકિટ આપી છે જે 10 પાસ પણ નથી, જ્યારે કોંગ્રેસે આવા 34 ઉમેદવારોને ટિકિટ આપી છે. ઉપરાંત 10 પાસ હોય તેવા ભાજપના 26 અને કોંગ્રેસના (Congress) 27 ઉમેદવારો છે. જ્યારે 12 પાસ કરીને અભ્યાસમાં પર્ણવિરામ મુકી દેનારા અને હવે કોર્પોરેટર બનવા થનગની રહેલા હોય તેવા ભાજપના 15 અને કોંગ્રેસના 19 ઉમેદવારો છે. જો કે ભાજપે 17 ગ્રેજ્યુએટ, 12 વકીલ, ચાર બીએડ, 3 એન્જિનિયર અને ત્રણ ડોકટરોને ટીકીટ આપી છે. તો કોંગ્રેસે 8 ગ્રેજ્યુએટ, 12 વકીલ, 6 બીએડ, 2 એન્જિનિયરને ટીકીટ આપી છે. ભાજપના એક ઉમેદવારો તો પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડીગ્રી મેળવી છે. આમ બન્ને પક્ષોએ ઓછુ ભણેલા અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવારને ટીકીટ આપવામાં પણ જાણે બરાબરની સ્પર્ધા કરી હોય તેવું ચિત્ર દેખાય છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંંગ્રેસ અને આપ વચ્ચે જંગ, આ વોર્ડમાં સૌથી વધુ ઉમેદવાર
સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ગતરોજ પૂર્ણ થયેલી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાના અંતે 540 ઉમેદવારોએ મેદાને જંગમાં ઝુકાવ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ચૂંટણીમાં હરીફોની વાત કરીએ તો અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દ્વિપાંખીયો જંગ જોવા મળતો હતો પરંતુ, આ વખતે આમ આદમી પાર્ટીનું (Aap) ફેક્ટર ઉમેરાતા હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. ઉમેદવારીપત્રોના વર્ગીકરણ બાદ સપાટી પર આવેલી માહિતી પ્રમાણે ભાજપના કુલ 120 ઉમેદવારો, કોંગ્રેસના કુલ 119 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના કુલ 116 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જુદી જુદી બેઠકો પર અપક્ષોએ ભરેલા ફોર્મ કુલ 91ની સંખ્યામાં છે. અન્ય પક્ષો નાના મોટા પક્ષો મળીને કુલ 94 ફોર્મ ભરાયા છે, આમ કુલ 1288 ફોર્મ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી બેઠકો માટે ભરાયા છે.