સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ગુજરાત રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થનાર છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચારમાં જોડાઈ ગયા છે ત્યારે સુરત શહેરમાં પરપ્રાંતિયોની વસતી પ્રમાણમાં વધુ હોય, સુરતમાં (Surat) પરપ્રાંતિય મતદારોને રીઝવવા માટે હિન્દી ભાષી નેતાઓ સુરતમાં ધામા નાંખશે.
- ચોર્યાસી અને લિંબાયત વિધાનસભામાં ઉત્તર ભારતીયો અને મહારાષ્ટ્રીયન મતદારો માટે ટોચના નેતાઓની સભા થશે
- દેવેન્દ્ર ફડણવીસ અને સ્મૃતિ ઇરાની પણ પ્રચાર કરશે
સુરત શહેર મિની ભારત તરીકે ઓળખાય છે. શહેરમાં રોજગારી માટે વિવિધ પ્રાંતના લોકો અહી આવીને વસે છે. સુરતમાં ખાસ કરીને ચોર્યાસી અને લિંબાયત વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ પ્રાંતના લોકો વસી રહ્યા છે. ત્યારે હિંદી ભાષી મતદારો તેમજ મહારાષ્ટ્રીયન સમાજને રીઝવવા માટે ભાજપ આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની સભાઓ કરશે. લિંબાયત વિધાનસભા વિસ્તારમાં મોટેભાગના મહારાષ્ટ્રીયન મતદારો છે. તેમજ ઉત્તર ભારતના મતદારો પણ અહીં મોટી સંખ્યામાં છે. તેમજ ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં હિન્દી ભાષી મતદારો હોય, સુરતમાં આવનારા દિવસોમાં કેન્દ્રિય મંત્રીઓની સભાઓ થશે તેમ જાણવામાં આવ્યું છે.
ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે છેલ્લે છેલ્લે દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સભા પણ થશે. સુરતમાં હાલમાં જ વડાપ્રધાન મોદીની સભા થઈ હોય તેઓ હાલ સુરત આવે તેવા કોઈ એંધાણ નથી પરંતુ અન્ય કેન્દ્રિય મંત્રીઓ સુરતમાં ધામા નાખશે. તેમજ ભાજપ દ્વારા વડાપ્રધાન મોદી પાસે પણ સમય માંગવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ તેઓ સભા કરે એ માટે તારીખ માંગવામાં આવી છે. ભાજપ દ્વારા તા.18 મીએ ગોડાદરામાં યોગી આદિત્યનાથ, લિંબાયત સંજયનગર સર્કલ ખાતે દેવેન્દ્ર ફળણણીસની જાહેર સભા થશે. ઉપરાંત અન્ય વિધાનસભાઓમાં સ્મૃતિ ઈરાની, નીતિન ગડતરી જેવાં સ્ટાર પ્રચારકોની પણ સભાઓ થશે તેમ જાણવામાં આવ્યું છે.