સુરત: સુરત શિક્ષણ સમિતિ (Surat Education Committee) દ્વારા શુક્રવારે 22 ડિસેમ્બરના રોજ આગામી વર્ષ માટેનું રૂપિયા 920.65 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષના બજેટમાં કેટલાંક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સમિતિની શાળામાં (Schools) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ, પાઠ્ય પુસ્તકો ઉપરાંત હવે સ્કૂલ બેગ્સ પણ આપવામાં આવશે. તેમજ તમામ શાળાઓમાં સીસીટીવી (CCTV) કેમેરા મુકવામાં આવશે. તેમજ રૂપિયા 120 કરોડના વધારા સાથે શિક્ષણ સમિતીનું રૂપિયા 920 કરોડનું બજેટ પસાર કરાયું છે.
જો કે રૂપિયા 900 કરોડથી વધુ રકમનું બજેટ મંજૂર થતું હોવા છતાં શિક્ષણ સમિતિ પાસે પૂર્ણ સમયના વહીવટી વડા નથી તે બાબતને વિરોધ પક્ષના નેતાએ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ બાળકોના અભ્યાસની ગુણવત્તા સુધારવા માટે કોઈ કાર્ય થતું ન હોવાના આક્ષેપ કર્યા હતા. આ સાથે જ વિરોધ પક્ષના નેતાએ રજૂઆતો કરી હતી.
આજ રોજ શિક્ષણ સમિતિના રજૂ થયેલા બજેટને વિરોધ પક્ષના નેતાએ કોપી-પેસ્ટ બજેટ ગણાવ્યું હતું. સામાન્ય સભામાં વિરોધ પક્ષ નેતા રાકેશ હિરપરાએ બજેટની ટીકા કરવા સાથે કેટલીક રજૂઆતો કરી હતી. રાકેશ હિરપરાએ દિકરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીનનું પ્રશિક્ષણ તેમજ સેનેટરી પેડ વિનામૂલ્યે આપવામાં આવે. શાળા-સફાઈની ગ્રાંટમાં વધારો કરવામાં આવે. અત્યારે પ્રત્યેક શાળાના સાફ-સફાઈ માટે દર મહીને એક હજારથી પાંત્રીસ સો જેટલી નજીવી રકમ જ આપવામાં આવે છે જેને કારણે શાળામાં યોગ્ય સાફ-સફાઈ જળવાતી નથી. શિક્ષકોને એમના ગ્રેડ-પે, ઉચ્ચતર પગાર ધોરણ અને બાકી અરીયર્સ તાત્કાલિક આપવામાં આવે. સમિતિની કચેરીમાં સ્ટાફની અછત પૂરી કરવામાં આવે. 900 કરોડનું બજેટ ધરાવતી સંસ્થા પાસે કાયમી અને પૂર્ણ સમયનો વહીવટી વડો ન હોય એ શરમજનક બાબત છે. અમદાવાદમાં ઓછા બાળકો હોવા છતાંય સુરત કરતાં વધુ મોટો સ્ટાફ છે.
તમામ શાળાઓને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવે. તમામ શાળાઓને સૌર-ઉર્જાથી સજ્જ કરવામાં આવે તેવી માંગણી કરી છે. તે ઉપરાંત તમામ શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકો મુકવામાં આવે. આકાર અને સુકાની દ્વારા થઇ રહેલી શિક્ષકો અને ઓપરેટરોનું આર્થિક શોષણ બંધ કરાવવામાં આવે અને એમને નક્કી કરેલો પગાર સમયસર આપવામાં આવે.
શાળાઓમાં નીચે મુજબની જોગવાઇઓ કરવામાં આવી છે:
- તમામ શાળાઓને પૂરતાં લાઈટ-પંખા તાત્કાલિક આપવામાં આવે.
- વર્ષ 20240-25ના ડ્રાફ્ટ બજેટની જોગવાઈ
- શિક્ષકોની ઘટ ન પડે તે માટે શિક્ષકોના પગાર માટે 18 કરોડની જોગવાઈ
- વિદ્યાર્થીઓના ગણવેશ માટે 15 કરોડની જોગવાઈ
- ધો. 6માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે સાઈકલ ઈનામ આપવામાં આવશે