સુરત: (Surat) પેટ્રોલ અને ડિઝલના (Petrol Diesel) ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી હવે શહેરીજનો પણ ઈ-વ્હીકલ (E-Vehicle) તરફ વળી રહ્યા છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઈ-બસ (E-Bus) દોડાવવામાં આવી રહી છે અને તે માટે શહેરમાં વધુમાં વધુ ચાર્જિંગ સ્ટેશનો (Charging Station) બનાવવા માટેની તૈયારી પણ કરવામાં આવી રહી છે. સુરત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મુકનાર દેશમાં પ્રથમ શહેર છે. શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સિસ્ટમ તૈયાર કરવાના ભાગરૂપે વર્ષ 2025 સુધીમાં 500 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. જે પૈકી તા. 29 સપ્ટેમ્બરે વડાપ્રધાનના હસ્તે કુલ રૂા. 13.59 કરોડના ખર્ચે પ્રથમ 25 પબ્લિક ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મનપાને 2 માસમાં માત્ર રૂા. 1,09,000 ની આવક થઈ છે.
- મનપા દ્વારા શરૂ કરાયેલા 25 ચાર્જીંગ સ્ટેશનથી 2 માસમાં માત્ર 1 લાખની આવક
- ડિસેમ્બરના અંત સુધીમાં મનપા દ્વારા વધુ 25 ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ કરાશે
- સુરત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મુકનાર દેશમાં પ્રથમ શહેર
મનપા સંચાલિત વિવિધ ઝોન મળીને કુલ 25 ચાર્જીંગ સ્ટેશન તૈયાર કરાયા છે. જેનો લોકો બહોળા પ્રમાણમાં લાભ પણ લઈ રહ્યા છે. મનપા દ્વારા હાલ પ્રતિ યુનિટનો ચાર્જ રૂા. 14 વત્તા 18 ટકા જીએસટીની વસુલાત કરવામાં આવી રહી છે. જેમાં મનપાને 30 નવેમ્બર સુધીમાં રૂા. 1.09 લાખની આવક થઈ છે. મનપા દ્વારા આગામી દિવસોમાં હજી વધુ 25 ચાર્જીંગ સ્ટેશનો શહેરીજનો માટે ખુલ્લા મુકી દેવાશે તેમ જાણવામાં આવ્યું છે. જેની કામગીરી આખરી તબક્કામાં ચાલી રહી છે. અને 31 ડિસેમ્બર સુધીમાં વધુ 25 ચાર્જીંગ સ્ટેશનો કાર્યરત થતા મનપા સંચાલિત શહેરમાં 50 ચાર્જીંગ સ્ટેશનો કાર્યરત થઈ જશે. તેમજ આવનારા દિવસોમાં મનપા દ્વારા પીપીપી ધોરણે વધુ ચાર્જીંગ સ્ટેશનો સાકાર કરાશે.
શહેરમાં હાલમાં 16,831 ઇલેક્ટ્રિક વ્હીકલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મુકવામાં આવી હતી. તે પહેલા શહેરમાં માત્ર 1007 ઇલેક્ટ્રિક વ્હીકલ હતા. પોલિસી બાદ હાલમાં શહેરમાં કુલ 16,831 ઇલેક્ટ્રિક વ્હીકલ છે. એટલે કે 1571 % નો વધારો નોંધાયો છે. સુરત શહેરમાં હાલ દર 100 જેટલા નવા નોંધાનાર વ્હીકલમાં લગભગ 14 જેટલા વ્હીકલ ઇલેક્ટ્રિક વ્હીકલ છે.