સુરત: શહેરના સહરા દરવાજા ખાતે આવેલી યસ બેંકમાંથી 20 જેટલા રેતી કપચી, ટ્રાવેલ્સ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા 20 જેટલા આરોપીઓએ વર્ષ 2016થી 2018 સુધીમાં ટાટા અને અશોક લેલન્ડ કંપનીમાંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવ્યા ન હોય તેવાં વાહનોને હયાત બતાવ્યાં હતાં. આ વાહનોના બોગસ દસ્તાવેજોને આધારે ખોટી વીમા પોલિસીઓ બનાવી બેંકમાં રજૂ કરી જુદી જુદી કુલ 53 જેટલી લોનો ઉપર 8.64 કરોડની લોન મેળવી 5.25 કરોડ રૂપિયા ભરપાય કર્યા ન હતા. આ અંગે બેંક મેનેજરે 20 જણા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતાં ક્રાઈમ બ્રાંચે મુખ્ય સૂત્રધાર સહિત 5ની ધરપકડ કરી 15ને વોન્ટેડ જાહેર કર્યા છે.
ક્રાઈમ બ્રાંચ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરના સહરા દરવાજા ખાતે ટ્વીન ટાવરમાં આવેલી યસ બેંકમાંથી ઓગસ્ટ-૨૦૧૬થી ઓક્ટોબર-૨૦૧૮ દરમિયાન કુલ ૨૦ જેટલા આરોપીએ એકબીજાની મદદગારીથી અશોક લેલન્ડ કંપની તથા ટાટા કંપનીમાંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવ્યાં નથી, તેવાં વાહનોને હયાત બતાવ્યાં હતાં. હયાતી વગરનાં આ વાહનોના બોગસ અને બનાવટી દસ્તાવેજો તેમજ ખોટી વીમા પોલિસીઓ બનાવી કાઢી હતી. જે દસ્તાવેજો બોગસ અને બનાવટી હોવાનું જાણવા છતાં બેંકમાં રજૂ કરી કુલ 52 બોગસ વાહન ઉપર જુદી જુદી કુલ 53 જેટલી લોનથી કુલ ૮,૬૪,૭૧,૯૪૮ (આઠ કરોડ ચોસઠ લાખ એકોતેર હજાર નવસો અડતાળીશ)ની લોન મેળવી હતી. લીધેલી લોનના અવેજ પૈકી કુલ ૫,૨૫,૨૬,૮૩૦ (પાંચ કરોડ પચ્ચીસ લાખ છવ્વીસ હજાર આઠસો ત્રીસ) જેટલી રકમ બેંકમાં ભરપાઈ કરી નહોતી.
બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ
યસ બેંકના આર.સી.યુ. મેનેજર સુમિતભાઈ રમેશચંદ્ર ભોસલે (ઉં.વ.૪૨) (રહે., બી,૨૯, સહર્ષ પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા)એ ફરિયાદ દાખલ કરાવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર ઇર્શાદ ઉર્ફે ઇશુ કાળુભાઇ પઠાણ (ઉં.વ.૪૧) (૨હે., રહેમતનગર-૨૧૩, વાલક પાટિયા, તા.કામરેજ), ઇમરાન કાળુભાઇ પઠાણ (ઉં.વ.૩૫), કપિલભાઇ પરષોત્તમભાઇ કોઠિયા (ઉં.વ.૩૯) (રહે.,સોના એપાર્ટમેન્ટ, મોટા વરાછા), શૈલેષભાઇ કાંતિભાઇ જાદવાની (ઉં.વ.૩૬) (રહે., સ્નેહમિલન સોસાયટી, વરાછા), મુકેશ ધીરૂભાઈ સોજિત્રા (ઉં.વ.૪૦) (રહે., વ્રજરાજ રેસિડેન્સી, વ્રજચોક, સીમાડા)ને શનિવારે ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ આરોપીઓના 6 દિવસ સુધીનાં પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. જ્યારે 15 આરોપી વોન્ટેડ છે. આરોપી ઇર્શાદ ઉર્ફે ઇશુ કાળુભાઇ પઠાણની સામે વર્ષ-2019માં સરથાણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.
વાહનોના બોગસ દસ્તાવેજ બનાવનારાઓની શોધખોળ
હયાત ન હોય તેવાં વાહનોના નામે આરસી બુક અને ઇન્સ્યોરન્સના બોગસ દસ્તાવેજ બનાવનાર 20 આરોપી વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચે ફરિયાદ દાખલ કરી મુખ્ય સૂત્રધાર સહિત 5ની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા પાંચેય આરોપીના 22 તારીખ સુધીનાં રિમાન્ડ મેળવ્યાં છે. 54 જેટલાં બોગસ વાહનોનાં ઊભા કરી આ વાહનોના દસ્તાવેજ બનાવનાર આરોપીની શોધખોળ પોલીસે આરંભી છે.