સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં ડુમસ ચોપાટી (Dumas Chowpati) પાસે વ્યવસાય કરતા 600 જેટલા લોકોએ રોજગારી ગુમાવતા જીવન નિર્વાહ (Subsistence) કરવાનો પ્રશ્ન ઊભો થયો છે. છેલ્લા 14 મહિનાથી ભજીયાવાળા, નાળિયેરવાળા, ફ્રૂટ અને ફાસ્ટફૂડ વેચાણ કરનારા, ઊંટ અને ઘોડાવાળા, હોડી- ચકડોળવાળા અને ઠંડા પીણાનો વેપાર કરનારા નાના માણસોનો ધંધો બંધ થતાં વ્યાપક અસર થઇ છે.
- દક્ષિણ ગુજરાત કોળી સમાજના આગેવાન લક્ષ્મીકાંત પટેલે મુખ્યમંત્રી પાલિકા કમિશ્નરને આવેદનપત્ર આપી
- ભજીયા, નાળિયેર પાણી, ફ્રુટ- ફાસ્ટફૂડવાળા, ઊંટ-ઘોડાવાળા સહિત નાના વ્યવસાયિકોને ધંધો કરવા દેવા વિનંતી કરી
કાંઠા વિસ્તારની ઘણી વિધવા મહિલાઓ અહીં ફાસ્ટફૂડ અને ફળ-ફ્રૂટ વેચવાનો વેપાર કરે છે. તેમના માટે રોજીરોટીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ અંગે દક્ષિણ ગુજરાત કોળી સમાજના આગેવાન લક્ષ્મીકાંત અરૂણ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પાલિકા કમિશ્નર બંછાનીધિ પાની, અઠવા ઝોનના ઝોનલ અધિકારી અને ડુમસ પીઆઇને આવેદનપત્ર આપી ડુમસ ચોપાટી પર લારી-ગલ્લા પાથરણા થકી રોજગારી મેળવતા 600 જેટલા લોકોને વ્યવસાય કરવા દેવા છૂટ આપવા માંગ કરી છે. જો સરકારની ગાઇડલાઇન નડતી હોય તો આ અસરગ્રસ્તોને વળતર ચૂકવવા પણ માંગ કરી છે. 600 પૈકી ઘણા લોકોની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઇ છે. સમાજ દ્વારા કીટ વિતરણ કરી સ્થિતિ સંભાળવામાં આવી છે.
સંક્રમણ ઓછુ થતા, બીઆરટીએસના વધુ 3 રૂટ શરૂ કરાયા
સુરત: શહેરમાં કોરોનાની બીજી લહેરને કારણે મનપા દ્વારા જાહેર સેવાઓ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે બીજી લહેર હળવી થતાં ધીરે ધીરે બંધ કરવામાં આવેલી સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. મનપા દ્વારા અગાઉ બીઆરટીએસના બે રૂટ શરૂ કરાયાં હતાં. પરંતુ વાવાઝોડાને પગલે ગત 2 દિવસ માટે આ રૂટ પરની બસો પણ બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે બીઆરટીએસ રૂટ પણ ક્લિયર કરી દેવાતા આ બંને રૂટ પણ ફરી શરૂ કરી દેવાયા છે. ત્યારબાદ મનપાએ વધુ 3 બીઆરટીએસ રૂટ એમ કુલ 5 રૂટ શરૂ કર્યાં હતા. અને હવે વધુ 3 રૂટ આવતીકાલથી શરૂ થશે. જેમાં સરથાણા નેચરપાર્કથી સચિન રેલવે સ્ટેશન, જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઈડીસી અને કોસાડ આવાસથી સરથાણા નેચરપાર્કના બીઆરટીએસ રૂટ શરૂ કરાશે. જેમાં કોવિડનું વ્યવસ્થિત પાલન કરાવવામાં આવશે.