SURAT

સુરતમાં ડુમસના દરિયા કિનારે બનશે ‘ઈકો ટુરિઝમ પાર્ક’

સુરતઃ (Surat) વિશ્વમાં વિકાસની ગતિમાં ત્રીજા ક્રમે પહોંચી ગયેલા સુરતમાં ફરવાલાયક સ્થળોની બાબતે ઘણું પાછળ છે. તેથી હવે સરકાર અને મનપા દ્વારા બહારથી આવતા લોકો તેમજ શહેરીજનો જ્યાં પિકનિકનો (Picnic) આનંદ માણી શકે તેવાં સ્થળો વિકસાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં સુરત શહેરને મળેલા લાંબા દરિયાકિનારાને પણ સારી રીતે વિકસીત કરી શકાય અને ફરવા માટેનું સ્થળ વિકસાવી શકાય એ માટે હવે સુરત મહાનગરપાલિકા ‘ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ સાકાર કરવામાં આવશે. ડુમસના દરિયા કિનારે (Dumas Beach) જંગલ ખાતાની 28.75 હેક્ટર અને સરકારી 78 હેક્ટર જમીન મળી 106 હેક્ટર જમીન પર ‘ઇકો ટુરિઝમ પાર્ક’ (Eco Tourism Park) સહિત સહેલાણીઓના આનંદ-પ્રમોદ માટે અનેકવિધ આયોજનો કરાશે. આ પ્રોજેક્ટમાં સહકાર આપવા માટે રાજ્ય સરકારે પણ સંમતિ આપી હોય મનપા માટે આ પ્રકલ્પ સાકાર કરવો હવે સરળ બની જશે.

સુરત મનપાના અધિકારીઓના અંદાજ મુજબ આ સમગ્ર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટેનો ખર્ચા રૂ. 500 કરોડ થઇ શકે છે. આ પ્રોજેક્ટની કન્સલ્ટન્સીથી માંડીને ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તેમજ સંબંધિત સરકારી વિભાગોની મંજૂરી મેળવવા સહિત તમામ રૂપરેખા તૈયાર કરવા માટે ચોથા પ્રયાસે મનપાને જે-તે એજન્સીઓ મળી હતી. તેમાંથી એક એજન્સીનું પ્રેઝન્ટેશન યોગ્ય જણાતાં તેના ટેન્ડરને ચર્ચા માટે મૂકવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ માટે ચોથા પ્રયાસે એજન્સીઓ બોલાવાઈ ત્યારે 3 એજન્સીઓ દ્વારા આ પ્રોજેક્ટ માટે રસ દાખવવામાં આવ્યો હતો.

જેથી પ્રથમ તબક્કે ત્રણેય એજન્સીઓનાં સર્ટિફિકેટનાં માર્કિંગ પ્રમાણે તેઓને ક્વોલિફાઈડ કરાઈ હતી. ત્યારબાદ બીજા તબક્કામાં તત્કાલીન ડેપ્યુટી કમિશનર જે.એમ.પટેલ, સિટી ઇજનેર ભરત દલાલ અને અઠવા ઝોનના વડા એડિશનલ સિટી ઇજનેર આશિષ દુબેની બનેલી કમિટી દ્વારા એજન્સીઓના પ્રેઝન્ટેશન જાવામાં આવ્યા હતા. જેમાં જે એજન્સીના ૬૦ માર્કસની ઉપર આવ્યા હતા તેને જ ક્વોલિફાઈડ કરાઈ હતી. કેદારનાથમાં પ્રલય બાદ તબાહી થઇ અને ત્યાર બાદ તેના નવનિર્માણની ડિઝાઇન બનાવનાર આઇએનઆઇ ડિઝાઇન સ્ટુડિયો નામની એજન્સીની ઓફરને યોગ્ય માનીને ટીએસીમાં મૂકવામાં આવી છે. આ સિવાય ગાંધીનગરથી વેબકોસ અને મુંબઈની દારાસો નામની એજની પણ સ્પર્ધામાં છે.

સાડા પાંચ કિ.મી.ના કોસ્ટલ વેથી માંડીને એમ્યુઝમેન્ટ, હોટેલ સહિતની એક્ટિવિટી હશે
આ પ્રોજેક્ટ એટલા માટે મહત્ત્વનો છે કે ડુમસના દરિયા કિનારે વરસોથી અવાવરૂ પડી રહેલી જંગલ ખાતાની જમીન અને સરકારી જમીન જેમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ થતી રહે છે. તેના પર હરવા-ફરવાનું એક સુંદર અને વિશાળ સ્થળનો વિકાસ થશે. અહીં ઇકો ટુરિઝમ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ, રેસ્ટોરાં, વોટર સ્પોર્ટ સહિત આનંદ-પ્રમોદની તમામ એક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ થશે. આટલું જ નહીં દરિયા કિનારે સાડા પાંચ કિ.મી.નો કોસ્ટલ વે પણ બનશે.

Most Popular

To Top