સુરત: (Surat) પૂનમના દિવસે ગોડાદરાનો 14 વર્ષીય કિશોર પરિવાર સાથે ડુમસ (Dumas) ફરવા ગયો હતો. તે દરમિયાન ભરતીના પાણીમાં (Water) તણાઈ ગયો હતો. ફાયર વિભાગ કિશોરને શોધવા માટે કામે લાગ્યો હતો. પરંતુ પુનમની ભરતી હોવાથી ફાયર વિભાગ પણ કિશોરને શોધી શક્યું ન હતું. જે કિશોર રવિવારે રાત્રે વલસાડના (વલસાડ) દરિયામાંથી મળી આવ્યો હતો. કિશોર લાકડાના સહારે જીવતો હતો.
- નાહવા માટે ડુમસના દરિયામાં કૂદ્યા બાદ ગુમ કિશોર લાકડાના સહારે જીવતો રહી મળી આવ્યો
- ગોડાદરાનો 14 વર્ષનો લખણ દેવીપૂજક દરિયામાં ભરતીના પાણીમાં તણાયા બાદ લાકડાના આધારે રહ્યો અને ભવાની બોટના ફિશરમેનને મળ્યો
- ફિશરમેને ફિશરિઝ વિભાગને જાણ કરતાં ડુમસ પોલીસે શોધખોળ શરૂ કરી, બાદમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીની મદદથી સ્પીડ બોટ મેળવી ધોલાઈ બંદરે કિશોરને શોધી કઢાયો
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં આવેલા નીલમનગર પાસે વેદનાથ મંદિરની પાછળ રહેતો 14 વર્ષીય લખન વિકાસભાઈ દેવીપૂજક દરિયામાં ભવાની બોટના ફિશરમેનને જીવતો મળી આવ્યો હતો. જેથી ફિશરીશ વિભાગના બિંદુબહેનનો તેમના દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેથી ત્યાંથી ડુમસ પોલીસને જાણ કરવામાં આવતી ડુમસ પોલીસ અને એસીપી દીપ વકીલે બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરી માટે સ્પીડ બોટની જરૂરીયાત ઊભી થતાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ હજીરાની એલએન્ડટી અને અદાણી પોર્ટ અને રિલાયન્સનો સંપર્ક કર્યો હતો.
પોલીસ અને વહીવટી તંત્રની સતર્કતા અને સતત પ્રયત્નોને કારણે લખન વિશાલભાઈ દેવીપુજક જામનગર અને વલસાડના દરિયા વચ્ચે બીલીમોરાના ભાટપોર પાસે લાકડાના સહારે તરતો મળી આવ્યો હતો. ડુમસ પી.આઈ. અને ડુમસ પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી લખન વિશાલ દેવીપુજકની શોધખોળ કરી હતી. ડુમસ પોલીસ, વહીવટી તંત્ર, ગામના સરપંચ અને ગામના આગેવાનો, મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારીઓ, સ્થાનિક માછીમારો, સુરત ફાયર બ્રિગેડ સહિત તમામની મહેનત રંગ લાવી હતી.
બચાવ માટે સ્પીડ બોટની જરૂર પડતાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી એ તાત્કાલિક હજીરા સ્થિત એલ એન્ડ ટી અને અદાણી પોર્ટનો સંપર્ક કર્યો હતો. બપોરથી અદાણી પોર્ટ, રિલાયન્સ તથા સ્થાનિક માછીમાર ભાઈઓ સાથે મળી અન્ય બોટ વલસાડથી રવાના થઈ હતી. તે કૃષ્ણ ભાઈના સંપર્કમાં રહી બાળકની સતત માહિતી મેળવતા રહ્યા હતા. બાળક ધોલાઈ બંદરે આવનાર હોવાની માહિતીને આધારે ડુમસની ટીમ ધોલાઈ રવાના થઈ હતી.
બપોરે આ બોટ વલસાડથી રવાના થઈ હતી અને સતત સંપર્કમાં રહીને બાળકને ધોલાઈ બંદરેથી શોધી કાઢ્યો હતો. મોડી રાત્રે બાળકનો કબજો લેવા માટે ડુમસ પોલીસ ધોલાઈ બંદરે રવાના થઈ હતી. મળતી માહિતી પ્રમાણે લખન દરિયામાં લાકડાના સહારે જીવતો રહ્યો હતો અને બાદમાં ફિશરમેનને મળી આવ્યો હતો.