સુરત: (Surat) શહેરમાં એક માત્ર ફરવા માટેનો ડુમસ બીચ (Dumas Beach) છેલ્લા ઘણા સમયથી કાર ફસાવવા માટે હોટ સ્પોટ બની રહ્યો છે. લોકો છેક દરિયા સુધી કાર લઈને નીકળી પડે છે અને કાર ફસાઈ જતા પોલીસને (Police) જહેમત ઉઠાવવી પડે છે. જેને કારણે ડુમસ પીઆઈ અંકિત સોમૈયા દ્વારા કારને બીચ સુધી લઈ જવા પ્રતિબંધ ફરમાવ્યો છે.
- ડુમસમાં પોલીસે બીચ સુધી કાર લઈ જવા પ્રતિબંધ ફરમાવ્યો
- હાલ દરિયાનો કરંટ વધારે છે અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો છે: પીઆઈ અંકિત સોમૈયા
- હવે જો બીચ સુધી કાર લઈ ગયા છો તો ખેર નથી
ડુમસ બીચ પર મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ફરવા જતા હોય છે. અત્યારે વેકેશન શરૂ થતા બીચ ઉપર ભીડ વધવા લાગી છે. શનિવારે અને રવિવારે તો એમપણ બીચ ઉપર ભારે ભીડ હોય છે. આ દરમિયાન ઘણા કહેવાતા સાહસી લોકો પોતાની કાર છેક બીચ સુધી લઇ જાય છે. જેને કારણે કાર બીચ ઉપર ફસાઈ જવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. દરિયામાં ભરતી આવતી વેળાએ કાર ફસાઈ જાય છે અને કારને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. આવી અનેક ઘટનાઓ બાદ હવે ચોમાસામાં દરિયાનો કરંટ પણ વધારે હોવાથી પોલીસ દ્વારા કોઈપણ કાર ગણેશ મંદિરથી આગળ બીચ સુધી લઈ જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કાર બીચ ઉપર લઈ જશે તો પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે
ડુમસ પોલીસ ઇન્સપેક્ટર અંકિત સોમૈયાએ જણાવ્યું હતું કે, ડુમસ બીચ પર વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. હવે તો ત્યાં જ કાર પાર્ક કરવાની રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કાર છેક બીચ સુધી લઇ જશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. બીજું કે હાલ દરિયાનો કરંટ વધારે છે અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો છે.