સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો નોધાઇ રહ્યો છે. રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા અનેક પ્રતિબંધો હળવા કરી દેવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં છેલ્લા બે માસથી જાહેર સ્થળો બંધ હોવાને કારણે સુરતીજનોને ઘરમાં જ રહેવાની નોબત આવી છે. સુરતીઓ રજાના દિવસે હરવા-ફરવાના શોખીન સ્વભાવના છે. તેથી જાહેર રજાના દિવસે શહેરના ડુમસ બીચ (Dumas Beach) પર મોટી સંખ્યામાં પરિવાર સહેલાણીઓ પહોંચી જાય છે. એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) કે માસ્ક (Mask) પહેર્યા વગર મોજ-મસ્તીમાં તલ્લીન થઇ જાય છે. જેને લઇને ફરી વખત કોરોના માથું ઊંચકે તેને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા શનિ અને રવિવારે તેમજ જાહેર રજાના દિવસે ડુમસ બીચ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સુરતીઓ માટે ડુમસ બીચ રોજ સવારે અને ખાસ કરીને શનિ અને રવિવારે ફરવાનું મોટું સ્થળ છે. જોકે, સરકારે પ્રતિબંધો હળવા કર્યા બાદ સુરતીઓ છેલ્લા બે શનિ-રવિથી મોટી સંખ્યામાં પહોંચી જતાં હોવાથી આખરે સુરત મહાપાલિકાએ બીચ પર જવા પર પ્રતિબંધ મુકવાની ફરજ પડી છે. છેલ્લા બે શનિ-રવિથી પોલીસે ડુમસ બીચ પર દોડી જતાં સુરતીઓને અટકાવવાની સાથે તેમને દંડ કરવો પડતો હતો. જોકે, હવે પ્રતિબંધ જ મુકી દીધો હોવાથી લોકો બીચ પર જતાં અટકશે.
યુવકે માસ્ક ન પહેરવા મામલે પોલીસ સાથે બબાલ કરી
સુરત : લિંબાયતના મોડેલ ટાઉન પાસેથી પસાર થતા એક યુવકે માસ્ક પહેર્યું ન હતું. આ યુવકે પોલીસની સાથે જીભાજોડી કરી કહ્યું કે, ‘તમે લોકોને હેરાન કરો છે’કહી ગાળો પણ આપી હતી. પોલીસે આ યુવકની સામે જાહેરનામા ભંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો. રાજસ્થાનના વતની અને સુરતમાં ગોડાદરાના પરવત ગામ પાસે સિલીકોન ફ્લેટમાં રહેતા અર્જુન મંગલસિંગ પુરોહિત મોડેલ ટાઉન પાસેથી પસાર થઇ રહ્યા હતા. અર્જુને મોંઢા ઉપર માસ્ક પહેર્યું ન હોવાથી લિંબાયત પોલીસના સ્ટાફે ઊભો રાખ્યો હતો. અર્જુને જોર-જોરથી બમો પાડી હતી અને પોલીસને ગાળો આપીને લોકોને ઊભા રાખી ટ્રાફિક જામ કરી દીધો હતો. પોલીસની સાથે જીભાજોડી કરનાર અર્જનની સામે જાહેરનામા ભંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.