સુરત: (Surat) 360 જવાનોના મંજૂર મહેકમ વચ્ચે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના (CISF) 226 ટ્રેઈન જવાનોએ સુરત એરપોર્ટની (surat ariport security) સુરક્ષાની જવાબદારી સ્વીકારી છે. બુધવારે સુરત એરપોર્ટ પર યોજાયેલી ઈન્ડક્શન સેરેમનીમાં સુરત પોલીસે 19 વર્ષ સુધી સુરત એરપોર્ટને વિનામૂલ્યે સુરક્ષા બંદોબસ્ત આપ્યા પછી ગુરુવારે સીઆઈએસએફને વિધિવત ચાર્જ સુપરત કર્યો હતો.
- સુરત એરપોર્ટ ખાતે ઈન્ડક્શન સેરેમની યોજાઈ, 360ના મહેકમમાંથી 226 જવાન સુરક્ષા માટે તૈનાત કરાયા
- કેટલીક એરલાઇન્સ સીઆઈએસએફના અભાવે સુરત આવવા ટાળતી હતી
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ, સાંસદ અને સુરત એરપોર્ટ મેનેજમેન્ટ એડ્વાઇઝરી કમિટીના ચેરમેન સી.આર.પાટીલે કહ્યું હતું કે, અમે આજે સુરતની જનતાને આપેલું વચન પાળ્યું છે. સીઆઈએસએફના બંદોબસ્ત પછી અગાઉ જે એરલાઇન્સ સુરક્ષાનાં કારણોસર ઇન્ટરનેશનલ ફ્લાઈટ (International Flight) શરૂ કરવા ટાળતી હતી એવી એરલાઇન્સ (Airlines) હવે સુરતના વિકસિત એરપોર્ટ માળખાનો ઉપયોગ કરી શકશે. અમે સુરતથી દુબઈની (Dubai) ફ્લાઈટ શરૂ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.
ખૂબ જ લાંબા સમયથી સુરત એરપોર્ટ ખાતે સીઆઇએસએફની માંગ હતી, પરંતુ અનેક મંજૂરીઓ સરકારમાંથી પેન્ડિંગ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વ્યક્તિગત રસ લઈ સુરત એરપોર્ટને આ સુરક્ષા વ્યવસ્થા અપાવી છે. ઇન્ડક્શન સેરેમની દરમિયાન ગુજરાત પોલીસે સીઆઇએસએફને ફ્લેગ અર્પણ કરી વિધિવત ચાર્જ આપ્યો હતો. આ સાથે સીઆરપીએફનો બંદોબસ્ત ધરાવનાર સુરત દેશનું 65મા ક્રમનું એરપોર્ટ બન્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, એરપોર્ટ એડ્વાઈઝરી કમિટીના પ્રમુખ સાંસદ સી.આર.પાટીલ, સીઆઇએસએફના એડીજી પ્રમોદ પાર્લીનકર ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડક્શન સેરેમની દરમિયાન ઊંધો રાષ્ટ્રધ્વજ લહેરાતાં વિવાદ
સુરત એરપોર્ટ ખાતે બુધવારે ઈન્ડક્શન સેરેમની અંતર્ગત સીઆઈએસએફના જવાનો સ્ફૂર્તિ અને શક્તિ સાથે જુદી જુદી સુરક્ષા ટ્રેનિંગનાં કરતબ દેખાડી રહ્યાં હતાં. ત્યારે હથિયારોના નિદર્શન પછી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો ત્યારે ઊંધો ફરકતાં વિવાદ થયો હતો. જો કે, ઝડપથી આ ભૂલ સુધારી લેવામાં આવી હતી.
ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીને આમંત્રણ અપાયું નહીં
સુરત એરપોર્ટ ખાતે સુરક્ષાનો હવાલો સીઆઇએસએફને સોંપવા યોજાયેલી ઇન્ડક્શન સેરેમનીમાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગેરહાજર જણાયા હતા. આયોજકો એમને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હતા. કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ અને એરપોર્ટ એડ્વાઇઝરી કમિટીના પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ તેમજ ધારાસભ્ય ઝંખના પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
હવે એરપોર્ટ પર માત્ર એક પોલીસ ચોકી રહેશે
વર્ષ-2003થી સુરત પોલીસના 87 પોલીસકર્મીના અને 104 એસઆરપી જવાનો એરપોર્ટની સુરક્ષા કરતા હતા. પણ હવે એરપોર્ટ પર ડુમસ પોલીસના તાબા હેઠળની એકમાત્ર કચેરી રહેશે. અને ગણતરીનો સ્ટાફ ફરજ બજાવશે. જેના લીધે સુરત પોલીસને વધારાનો સ્ટાફ મળશે.
પેરેરલ રનવેના વિસ્તરણ સાથેનો ખુડાનો ડેવલપમેન્ટ ડ્રાફ્ટ સરકારને મોકલાયો:આયુષ ઓક
સુરત એરપોર્ટ પર યોજયેલી ઇન્ડક્શન સેરેમનીને સંબોધતા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટના પેરેલલ રનવે સહિતના વિસ્તરણ માટે જમીન સંપાદન સાથેનો ડ્રાફ્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. સૂચિત પેરેલલ રનવેનો પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો છે.