સુરતમાં દિવાળી ટાણે સચિનના કપ્લેથા ચેકપોસ્ટ પાસેથી 59 લાખના ડ્રગ્સ સાથે ચાર આરોપી ઝડપાયા હતા.પરંતુ મુખ્ય આરોપી પોલીસની પહોંચથી દૂર હતો. ત્યારે હવે પોલીસ દ્વારા ડ્રગ્સનો જથ્થો મગાવનાર વોન્ટેડ આરોપીને પણ ઝડપી લેવાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ કારમાં હેરાફેરી કરતા સુરતના કોટ વિસ્તારના ચાર ઇસમોને પોલીસે કપ્લેથા ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 590 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું. જેની કિમત 59 લાખ હતી. પોલીસે રોકડ રૂપીયા, સ્વીફ્ટ કાર તથા મોબાઈલ ફોન મળી કુલ્લે 66.67 લાખની કિમંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં જણાયું હતું કે આ ડ્રગ્સનો જથ્થો સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને આપવાનો હતો. જેથી પોલીસે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા કામગીરી હાથ ધરી હતી.
દરમ્યાન વોન્ટેડ આરોપી બાબતે પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે વોન્ટેડ આરોપી નામે શોહેલ શૌકત સૈયદ કાદરીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરી નાર્કોટીક્સની પ્રવૃતિમાં સંડોવાયેલ અન્ય ઇસમો અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે. દરમિયાન પોલીસે આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની કાર્યવાહી અર્થે સચીન પોલીસ સ્ટેશનને કબ્જો સોંપવામાં આવ્યો છે.