સુરત: વિદેશથી લવાયેલું 10 કિલો સોનું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નીકળી ગયા પછી ટ્રેનમાં અમદાવાદથી મુંબઇ તરફ જઈ રહ્યું હોવાની બાતમીને પગલે ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ સુરતની ટીમે ભરૂચ, અંકલેશ્વર રેલવે સ્ટેશને ટીમો મોકલી, સુરત રેલ્વે સ્ટેશન પહેલા જ ચાલુ ટ્રેનમાં બંને શકમંદને ઘેરો ઘાલી પેસ્ટ ફોમમાં લાવવામાં આવી રહેલા ગોલ્ડ સાથે બંને શકમંદની અટકાયત કરી હતી.
- સુરત DRIએ ચાલુ ટ્રેનમાં 10 કિલો સોના સાથે બે ને દબોચ્યા
- અમદાવાદ એરપોર્ટથી પેસ્ટ ફોમમાં નીકળી ગયેલું સોનું ટ્રેનમાં લઈ જવાતું હતું
- સુરત પાસે પકડી પાડવામાં આવ્યું: આરોપીઓએ રેલવે સ્ટેશને હોબાળો મચાવ્યો
કહે છે કે, બંને શકમંદને સુરત રેલવે સ્ટેશને ઉતારવામાં આવ્યા ત્યારે, તેમણે હોબાળો મચાવ્યો હતો. પણ DRIનાં અધિકારીઓ ઝડપથી તેમને સ્ટેશનેથી બહાર કાઢી સુરત ઓફિસ ખાતે લઈ આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ બે શકમંદ અમદાવાદથી પેસ્ટ ગોલ્ડની ડિલિવરી લઈને ટ્રેનમાં જઈ રહ્યા હતાં, ત્યારે સુરત ડીઆરઆઇનાં હાથે ઝડપાઇ ગયા હતા. અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 80,000 રૂપિયા આસપાસ છે. જો 10 કિલો શુદ્ધ સોનું પેસ્ટ સ્વરૂપે હોય તો 8 કરોડ આ સોનાની કિંમત પહોંચે એમ છે. જો કે, સુરત ડીઆરઆઈનાં અધિકારીઓએ હજુ સોનું કેટલી માત્રામાં છે? પકડાયેલા વ્યક્તિઓ કોણ છે? એ અંગે કોઈપણ વિગત આપવા હાલ ઇન્કાર કર્યો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશને હોબાળો થતાં આ વાત બહાર આવી છે. આવતીકાલે DRI બંને શકમંદને રિમાન્ડ માટે સુરતની DRI કોર્ટમાં રજૂ કરે એવી શક્યતા છે, ત્યારે જ આખો મામલો સ્પષ્ટ થશે.
એજન્સીના સૂત્રો કહે છે કે, કેન્દ્રીય બજેટમાં ગોલ્ડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટી 6 ટકા થઈ જતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ અને શારજાહથી થતા સોનાની દાણચોરીનાં કેસમાં ઘટાડો થયો હતો. પણ બીજી તરફ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઘર્ષણની ઘટના પછી સોનાનો 10 ગ્રામનો ભાવ 80,000 થઈ ગયો છે. એના પ્રમાણમાં દુબઈમાં સોનું સસ્તું મળી રહ્યું છે. સુરત એરપોર્ટ પર કસટમ્સ વિભાગ ચેકિંગમાં કલાકો લગાડી રહ્યું હોવાથી દાણચોરોએ હવે અમદાવાદ એરપોર્ટથી સોનાની હેરફેર વધારી છે.