SURAT

સુરતમાં ડોગ બાઈટથી એક બાળકીએ જીવ ગુમાવ્યો પરંતુ આ વાત ચાઈલ્ડ વેલફેર કમિટીને ખબર જ નથી

સુરત: (Surat) સુરત શહેરમાં બાળકો રખડતાં કૂતરાંના (Dog) આતંકનો (Terror) ભોગ બની રહ્યાં છે, ત્યારે સીડબ્લ્યૂસી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જણાઈ રહ્યું છે. સુરત શહેર અને જિલ્લામાં બાળકોનાં હિતોનું રક્ષણ કરવા અને કરાવવાની તેમજ તેમને સુરક્ષા આપવાની અને અપાવવાની જવાબદારી જેના માથે છે એ સીડબ્લ્યૂસી (CWC) (ચાઈલ્ડ વેલફેર કમિટી-બાળ કલ્યાણ સમિતિ)ને આ ઘટનાઓ વિશે ખબર નથી.

છેલ્લા બે મહિનાથી શહેરમાં રખડતાં કૂતરાંનો આતંક વધી ગયો છે. પાંચેક બાળકોને કૂતરાંએ શિકાર બનાવ્યાં હતાં. તેમાં ખજોદના શ્રમજીવી પરિવારની 2 વર્ષની દીકરી મર્શીલા હેમરોનને ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. 4 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બાળકોને કૂતરાં કરડવાની આટલી બધી ઘટનાઓ બની રહી છે. એક બાળકીએ જીવ ગુમાવ્યો ત્યારે સીડબ્લ્યૂસી હાથ પર હાથ ધરીને બેઠું છે. સીડબ્લ્યૂસીની ફરજમાં એ પણ આવે છે કે, બાળકો કૂતરાંના શિકાર પણ ન બને. જો બને તો તેમને સારી સારવાર મળી રહે.

મર્શીલા હેમરોન ચાર દિવસ હોસ્પિટલમાં દાખલ રહી, પરંતુ સીડબ્લ્યૂસીના ચેરપર્સન નિમિષાબેન પટેલ પોતે હોસ્પિટલ પહોંચ્યાં ન હતાં કે સીડબ્લ્યૂસીના કોઈ સભ્યને બાળકીના ખબરઅંતર પૂછવા કોઈને મોકલ્યા ન હતા. મર્શીલા હેમરોનને સારામાં સારી સારવાર મળી રહે એ સુનિશ્ચિત કરવાનું કામ પણ સીડબ્લ્યૂસીની ફરજમાં આવે છે. આ બાબતે નિમિષાબેનને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ સુરતમાં ન હોવાથી બાળકી કે તેના પરિવારને મળી શક્યા નથી. તેને કોઈ સહાય પણ આપી કે અપાવી શક્યા નથી. પરંતુ તેમણે એ સ્વીકાર્યુ કે બાળકીના પરિવારને અમે મળીશું અને તેમને યોગ્ય સહાય મળે એ માટે પ્રયાસ કરીશું.

અમને કોઈ મળવા આવ્યું નથી: રવિ કહાર
મર્શીલા હેમરોનના પિતા રવિ કહારે જણાવ્યું હતું કે, હાલ તો તેઓ સુરતમાં જ છે. તેમની પાસે રૂપિયા નથી. રૂપિયા થાય એટલે સુરતથી જતા રહીશું. અમને કોઈ પણ નેતા કે કોઈ એનજીઓવાળા મળવા આવ્યા નથી. અમને કોઈએ પણ હજી સુધી સહાય કરી નથી.

સિવિલમાં ડોગ બાઈટના કેસો માટેના રેબિશ ક્લિનિકને બપોરે તાળાં મારેલાં હોય છે
શહેરમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં રેબિશ ક્લિનિકને બપોરે તાળાં મારી દેવાય છે. એટલે બપોરે આવતા ડોગ બાઈટના ભોગ બનેલા દર્દીઓને હેરાન થવાની ફરજ પડે છે. શહેરમાં કૂતરાં કરડવાના આટલા બનાવો બની રહ્યા છે ત્યારે પણ સિવિલ હોસ્પિટલના નિર્દયી ડોક્ટર અને વહીવટદારોના પેટનું પાણી નથી હલતું. શનિવારે બપોરે બે વાગ્યાથી લઈને સાંજે 5.30 વાગ્યા સુધી રેબિશ ક્લિનિકને તાળાં લાગેલાં હતાં. ત્યાર બાદ પણ ક્લિનિક ખૂલ્યું કે નહીં એ કહી શકાય નહીં. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં શહેરમાં કુલ 140 લોકોને કૂતરા કરડી ગયા છે અને આ તો ફક્તને ફક્ત નવી સિવિલ હોસ્પિટલના આંકડા છે. જ્યારે સ્મીમેર અને ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો આ આંકડો કલ્પના બહાર જાય તેમ છે.

  • ડોગ બાઇટના ચાર દિવસના કેસ
  • તારીખ નવા કેસ જૂના કેસ
  • 22 ફેબ્રુઆરી 31 71
  • 23 ફેબ્રુઆરી 50 96
  • 24 ફેબ્રુઆરી 32 105
  • 25 ફેબ્રુઆરી 27 90

Most Popular

To Top