SURAT

તમે શું કહો છો?, સારા રસ્તા અને ફ્રી પાર્કિંગ નહીં આપતી સુરત મનપાને વાહન વેરો આપવો જોઈએ…?

સુરત: શહેરના રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. લોકોની કમર તુટી રહી છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલી રહ્યું નથી. અનેક ફરિયાદો છતાં રસ્તા રિપેર થઈ રહ્યાં નથી. મેયરના આદેશને પણ અધિકારીઓને ધોળીને પી ગયા છે. રિપેરિંગના બહાને માત્ર પેચવર્ક થઈ રહ્યું છે, જેના રસ્તાનું સંતુલન બગડે છે અને વાહનચાલકોની હાલત વધુ કફોડી બને છે.

  • આપ કોર્પોરેટર મહેશ અણધણની મ્યુનિ. કમિ.ને રજૂઆત: સાત વર્ષમાં 732 કરોડ રોડ ટેક્સ વસૂલ્યો પરંતુ વાહનચાલકોને સુવિધાના નામે મીંડું, હાલાકી સતત વધી રહી છે

બીજી તરફ મેટ્રોની કામગીરી અને દબાણના લીધે રસ્તા પર વાહનોના પાર્કિંગ માટે યોગ્ય જગ્યા મળતી નથી. આમ વાહનચાલકોને કોઈ પણ પ્રકારની સુવિધા નહીં આપતી સુરત મનપાને વાહન વેરો આપવો જોઈએ નહીં તેવી માંગ ઉઠી છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષમાં શહેરીજનો પાસે નવા વાહનોના રોડ ટેક્સ પેટે 732 કરોડ વસૂલાયા છે અને શહેરીજનોને એવી આશા હતી કે સારી ક્વોલિટીના રોડ રસ્તા અને પાર્કિંગ મળશે. પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી રોડ રસ્તાની ક્વોલિટી નિમ્ન કક્ષાની બનતા ગાડીમાં ખર્ચા અને અકસ્માતના કારણે જીવ પણ ગુમાવવાના વારા આવે છે. તેમજ શહેરમાં કોઈ પણ જગ્યાએ વાહનો માટે ફ્રી પાર્કિંગની પણ સુવિધાઓ નથી.

અધૂરામાં પૂરું હોય એમ વાહનોના ટેક્સ ભર્યા પછી રોડ પર વાહનો મૂક્યા હોય તો તરત જ ટ્રાફિક વિભાગની ક્રેન આવીને વાહનો ઉંચકીને દંડ કરવામાં આવે છે, તો દરેક બાબતે રૂપિયા ચૂકવીને સુવિધા મળતી હોય તો પાલિકાને વાહન વેરો શા માટે ચૂકવવાનો?

જે તે સમયે ઓકટ્રોય વખતે પાલિકાને આવક હતી, પરંતુ ત્યારબાદ વેટ અને જી.એસ.ટી.માં પરિવર્તિત થઈને એ પેટે કોર્પોરેશનને સરકાર પાસેથી વળતર માંગવાની ફરજ પડી છે. લોકોએ ખરીદેલા વાહનો પર પાલિકા પોતે લીધેલા ટેક્સનું વળતર કે સુવિધા ઉચ્ચકક્ષાની આપી શકવા સક્ષમ ના હોય તો આવા વાહન વેરા લેવાનો કોઈ હક નથી. તેથી સમગ્ર શહેરીજનોના હિત માટે એક પ્રતિનિધિ અને જવાબદાર નાગરિક તરીકે ગાડી પરનો એસ.એમ.સી. ટેક્સ નાબૂદ કરવામાં આવે, તેવી ભલામણ મહેશભાઈ અણઘણે કમિશ્નરને કરી હતી.

Most Popular

To Top