સુરત: આજના યુગમાં નાની ઉંમરમાં વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યાથી લોકો પીડાવા લાગ્યા છે. ત્યારે પોતાના દેખાવને સુંદર બનાવવા માટે ઘણા લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા મજબૂર બને છે, પરંતુ હેર ટ્રાન્સપ્લાન્ટ (Hair transplant) સર્જરીમાં રૂપિયા, સમયનો વ્યય થવા સાથે જ પારદર્શીતાનો અભાવ છે.
હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં રોપવામાં આવતા વાળ દીઠ તબીબો અલગ અલગ રકમ ચાર્જ કરતા હોય છે, પરંતુ દર્દી ચોક્કસપણે એ જાણી શકતા નથી કે તેમના સ્કાલ્પમાં કેટલાં વાળ રોપવામાં આવ્યા. તેમાં એક પ્રકારનું સ્કેમ ચાલી રહ્યું છે. લેભાગુઓ મનફાવે તેમ રૂપિયા વસૂલતા હોય છે. આ સ્કેમને રોકવા તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને વધુ ઝડપી અને પારદર્શી બનાવવાના હેતુથી સુરતના તબીબે ડિવાઈસની શોધ કરી છે.
સુરતના કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડો. પ્રદીપ અટોદરિયાએ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બે નવા ડિવાઈસ બનાવ્યા છે. આ ડિવાઇસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને તેમની ટાલમાં થયેલા પ્રત્યારોપણ થયેલા વાળના મૂળની સંખ્યા તથા તેની ક્વોલિટી સરળતાથી જાણી શકાશે.
આ ઉપરાંત વાળના પ્રત્યારોપણ માટે પાડવામાં આવતા કાણાંની સંખ્યા પણ તેમની નજર સામે જ ગણાતી જોઈ શકાશે, જેથી કરીને તેમને છેતરાઈ જવાની શક્યતા પણ રહેશે નહીં. નવા આધુનિક ડિવાઇસ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનો માટે ઉપયોગી બનશે.
ડો. અટોદરિયાનું માનવું છે કે, આજની તારીખે સુરત-ગુજરાત-ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં લગભગ 40% થી 50% હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકો ફક્ત ટેકનિશિયન દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં કોઈ પ્લાસ્ટિક સર્જન કે ક્વોલિફાઇડ ડોક્ટરો હોતા નથી.
હેર ટ્રાન્સપ્લાન્ટમાં વાળના મૂળ કાઢવાની પ્રક્રિયા અને વાળ રોપવા માટે કાણાં પાડવાની પ્રોસીજર ફક્ત ડોક્ટરો જ કરી શકે. પાડેલા કાણામાં વાળ રોપવાનું કામ જ ટેકનિશિયન કરી શકે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં ઘણા બધા હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરોમાં ડોક્ટર મોટાભાગની પ્રોસિજર ટેકનીશિયનોને સોંપી દે છે અને પોતે કંઈ જ કરતા નથી, જે ખરેખર અયોગ્ય અને ગેરકાયદેસર છે. આમ સમગ્રપણે જોતા દર્દી માટે છેતરાવાની સંભાવના રહેલી છે. આ સંભાવના સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ડો. પ્રદીપ અટોદરિયાએ બે સાધનોની શોધ કરી છે.