સુરત: (Surat) કતારગામમાં રહેતી ફિઝીયોથેરાપીસ્ટ ડોક્ટર (Doctor) પાસે મદદ માંગીને તેણીની પાસેથી રોકડા 80 હજાર તેમજ ઓનલાઇન રૂા.2.41 લાખ મળીને કુલ્લે રૂા.3.21 લાખની ઠગાઇ કરનાર યુવકની સામે ગુનો નોંધાયો હતો. આ યુવકે પોતાની બિલ્ડર (Builder) તરીકેની ઓળખાણ આપીને શેરબજારમાં 6 કરોડ સીઝ થઇ ગયા હોવાનું કહી મદદ માંગી હતી.
- ‘શેરબજારમાં 6 કરોડ બ્લેકના સીઝ થયા છે, એકાઉન્ટ ખુલશે એટલે આપીશ’ કહી મહિલા ડોક્ટર સાથે 3.21 લાખની ઠગાઇ
- કતારગામમાં ફિઝીયોથેરાપીસ્ટની સાથે મદદના બહાને રૂા. 3.21 લાખની ઠગાઇ કરાઇ
- ઠગાઇ કરનાર યુવક મહિલા ડોક્ટરને બીએમડબ્લ્યુ કાર લઇને મળવા જતો ત્યારે પણ 80 હજાર લીધા હતા
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામમાં આંબાતલાવડી પાસે મોહનદિપ સોસાયટીમાં રહેતા મીરાબેન ધીરૂભાઇ રફાળીયા ફિઝીયોથેરાપી તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓના ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર અક્સર-0311 નામની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. આ યુવકે મીરાબેનને પોતાની ઓળખ સુરતના કતારગામના શ્રીનિવાસ સોસાયટીમાં રહેતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતો હોવાનું કહ્યું હતું. બાદમાં અક્ષરે મીરાબેનને બાંધકામનું કોઇ કામ હોય તો કહેજો તેમ વાત કરતા મીરાબેનએ પોતાનું ક્લીનીક બનાવવાનું છે તેમ જણાવ્યું હતું.
એપ્રિલ-2022માં અક્ષર પટેલે મીરાબેનને કહ્યું કે, હાલમાં સ્ટોક માર્કેટમાં 21 કરોડ રોક્યા છે અને મારા બેંક ખાતામાં છ કરોડ રૂપિયા બ્લેકના જમા થયા છે, મારુ એકાઉન્ટ સીઝ કર્યું છે, હું તે ખાતામાં નાણાકીય વ્યવહાર કરી શકું તેમ નથી, મારે હાલ તાત્કાલિક રૂપિયાની જરૂર છે, મારા બાંધકામના મજૂરો તથા ટેક્સટાઇલના મજૂરોને ચૂકવવાના છે. મારુ એકાઉન્ટ ખુલશે ત્યારે હું તમને રૂપિયા આપી દઇશ’ તેમ કહીને મીરાબેન પાસેથી અલગ અલગ સમયે રૂા.2.41 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત અક્ષર પટેલ મીરાબેનને બીએમડૂબ્લયુ કાર લઇને મળવા માટે આવતો હતો ત્યારે પણ મીરાબેનની પાસેથી રૂા.80 હજાર લીધા હતા. થોડા સમય બાદ મીરાબેને રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે અક્ષરે મીરાબેનની આઇડી બ્લોક કરી નાંખી હતી. જો કે, બાદમાં અક્ષરે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા મીરાબેનએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.