સુરત: (Surat) દિવાળીને (Diwali Festival) હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે જાહેર રજાના દિવસે સુરતીજનો ખરીદી (Shopping) માટે બજારોમાં (Market) ઉમટી પડતાં શહેરના વિસ્તારોમાં ઠેર ઠેર ટ્રાફિક જોવા મળ્યો હતો. શહેરમાં આવેલી દુકાનો, કપડાના અને સાડીના શોરૂમમાં (Show Room) ગ્રાહકોનો (Customer) દિવસભર ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સુરતીઓ બજારોમાં ખરીદી કરવા ઉમટી પડતા શહેરના ચોકબજાર, ભાગળ, બરોડા પ્રિસ્ટેજ, હોડીબંગલા, રાજમાર્ગ, ચૌટાબજાર સહિતના અનેક વિસ્તારોમાં ટ્રાફિક (Traffic) જોવા મળ્યો હતો.
બે વર્ષની દિવાળી બરાબર ન ઉજવી શકેલા સુરતીઓ આ વર્ષે દિવાળી ધામધૂમથી ઉજવી લેવા માંગે છે. આ જ કારણ છે કે સુરતમાં ઠેર-ઠેર ખરીદી કરી રહેલા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના કેટલાક વિસ્તાર તો એવા છે જ્યાં કલાકો સુધી ટ્રાફિક યથાવત રહેતા પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી સર્જાઇ હતી. આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર ગમે તેમ વાહનો પાર્ક કરેલા પણ જોવા મળ્યા હતાં.
તો બીજી તરફ દિવાળીની ખરીદી કરવા માટે બેફામ બનેલા લોકો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે એટલું જ નહીં. સરેઆમ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા જોવા મળી રહ્યાં છે. આ ભીડ દિવાળી બાદ શહેરમાં કોરોનાની નવી લહેર લાવવામાં નિમિત્ત બની શકે છે. દિવાળીની તૈયારીઓ માં મગ્ન બન્યા છે અને જાણે કોરોના જતો રહ્યો હોય તેમ બિન્દાસ લોકો માર્કેટમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે.
લોકોએ દિવાળીની ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવામાં બેદરકારી દાખવી હતી. મોટા ભાગે લોકો માસ્ક વગર બહાર નિકળી પડતા નજરે પડ્યા હતાં. બીજી તરફ આટલા હજારો લોકોની ભીડમાં પોલીસ પણ ઓછી પડી રહી છે જેથી નિયમોનું પાલન કરાવવું પોલીસ માટે પણ મુશ્કેલ બની રહ્યું છે.
ખરીદી માટે લોકો ઉમટી પડતા બજારમાં બાઇક લઇને જવું પણ મુશ્કેલ બન્યું હતું. મોટા વાહનો કે કાર લઈ જવાનું તો રાજમાર્ગ, બરોડા પ્રિસ્ટેજ, વરાછા જેવા વિસ્તારોમાં તો લોકોને ચલવાની જગ્યા પણ મુશ્કેલીથી મળી રહી છે. ચૌટા બજારની હાલત પણ આવી જ છે. બીજી તરફ શોપિંગ મોલમાં પણ લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.