રાજુલા: ગુજરાતના હાઈવે પર દોડતી પેસેન્જર બસ અવારનવાર અકસ્માતનો ભોગ બનતી હોય છે. મોટા ભાગના કિસ્સામાં ડ્રાઈવરોની લાપરવાહીના લીધે અકસ્માત થતા હોવાનું બહાર આવે છે. આખી રાત ઉજાગરો કરીને બસ દોડાવતા ડ્રાઈવરો સ્પીડ પર કાબુ નહીં રાખી શકતા હોવાના લીધે અકસ્માત કરી બેસે છે. આવી જ એક ઘટના આજે સવારે અમરેલીના રાજુલાના માંડણ ગામ પાસેના રોડ પર બની છે.
સુરતથી (Surat) દીવ (Diu) તરફ જતી એક બસને અમરેલી (Amreli) જિલ્લાના રાજુલાના (Rajula) માંડણ ગામ નજીક અક્સ્માત (Bus Accident) નડ્યો છે. સોમવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં 15થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હોવાની વિગતો સાંપડી છે. બસનો અકસ્માત થયો ત્યારે બસની અંદર 40 જેટલાં મુસાફરો બેઠાં હતાં. તે તમામનો ચમત્કારિક બચાવ થયો છે.
- ખાનગી ટ્રાવેલર્સની બસને અકસ્માત નડ્યો
- ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ સાઈડ પર પલટી મારી ગઈ
- 15 મુસાફરોને સામાન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
- બસનો ચાલક ભાગી છૂટ્યો, પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર ખાનગી ટ્રાવેલ્સની બસ સુરતથી દીવ જઈ રહી હતી. આ બસ રાજુલાના માંડણ ગામ નજીક પહોંચી હતી ત્યારે બસનો ડ્રાઈવર ફૂલ સ્પીડમાં બસ હંકારી રહ્યો હતો. વધુ પડતી ઝડપના લીધે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઈડ પર પલટી મારી ગઈ હતી. આ સાથે જ બસની અંદર બેઠેલા 40 મુસાફરો પણ બસ સાથે ઉંધા માથે પટકાયા હતા. બસની અંદર અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરો અડધી ઉંઘમાં હતાં ત્યારે અકસ્માત થતા તેઓ ગભરાઈગયા હતા.
બસમાં બેઠેલા 40 મુસાફરો પૈકી 15 મુસાફરોને ઈજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ગભરાઈ ગયેલો ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો. લોકોએ સ્થળ પર દોડી જઈ મુસાફરોની મદદ કરી હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરાતા ડુંગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માત કેવી રીતે થયો તેની પોલીસ તપાસ કરી રહી છે. જોકે, બસમાં સવાર 40 મુસાફરોના જીવ બચી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.