સુરત: (Surat) અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય (Biparjoy) ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે. જેને કારણે શનિવારે તેની અસર દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી. સુરત જિલ્લામાં આજે બપોર પછી 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. આજથી એટલે કે 11 જૂનને રવિવારથી ચાર દિવસ સુધી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં કેટલાક અંશે બદલાવ પણ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન કરી દીધું છે. આ ઉપરાંત તંત્ર દ્વારા દરિયાની અંદર જે પ્રકારે કરંટ દેખાઇ રહ્યો છે તેના કારણે સુરત શહેર જિલ્લાના ડુમસ અને સુવાલી બીચ ને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ વાવાઝોડાની ઓછી અસર દક્ષિણ ગુજરાતમાં દેખાશે તેવી આગાહી કરી હતી. વાવાઝોડાની મૂવમેન્ટ ઉપર સતત હવામાન વિભાગ રડાર છે. પરંતુ સવાર સુધી વાવાઝોડું કઈ દિશામાં ફંટાશે તે અંગે સ્પષ્ટા ના હતી.
જો કે, હાલ વાવાઝોડું ગુજરાતની નજીકથી પસાર થઈ રહ્યું છે. જેને ધ્યાને લઈ તંત્ર એલર્ટ થયું છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે તથા વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ આગાહી પણ કરી છે. જેની અસર શનિવારે બપોર પછી દરિયા કાંઠા વિસ્તારમાં જોવા મળી હતી. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. બપોર પછી 40થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો હતો. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં શનિવા રે લઘુત્તમ તાપમાન વધી 29.7 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ 61% નોધાવવા સાથે દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી સાંજે 45 કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો હતો.
પ્રધાન મુકેશ પટેલ અધિકારીઓ સાથે સુવાલી ગામની મુલાકાતે પહોંચ્યા
ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તથા ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઇ શનિવારે સુવાલી ગામની મુલાકાત લીધી હતી. સંભવતી વાવાઝોડાની પરિસ્થિતિ સામે તંત્રની તૈયારી અંગેની સમીક્ષા કરી હતી. તે સાથે જ ગ્રામજનો સાથે વિશેષ ચર્ચા કરી હતી.
જિલ્લામાં 12 અને 13 જૂને 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ઈનચાર્જ સુરત જિલ્લા કલેક્ટર બી.કે. વસાવાએ વિગતો આપતા કહ્યું કે, તા.11 જૂનના રોજ 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની તેમજ વધીને તા. 12 અને 13મીએ પવનની ઝડપ 65 થી 70 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે, ત્યારે સંભવિત વાવાઝોડા સામે ‘ઝીરો કેઝ્યુલ્ટી’ના લક્ષ્ય સાથે સુરતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય તો કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવાની સજ્જતા અંગે આગોતરૂ આયોજન કરવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં લઈ ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થાય, વીજ પૂરવઠો ખોરવાય તો દ.ગુજરાત વીજ કંપની લિ.એ વીજલાઈનની મરામત કરી વીજપુરવઠો પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.
પશુપાલન, ખેતીવાડી વિભાગની ટીમોને સ્ટેન્ડ બાય કરાઈ
પીવાના પાણી, વીજળી, દૂરસંચારના માધ્યમો જેવી આવશ્યક સેવાઓ ખોરવાય નહીં તે માટે અધિકારીઓની ટીમો સ્ટેન્ડ બાય રાખવાની તેમણે તાકીદ કરી હતી. કલેક્ટરે ઉમેર્યું કે, તાલુકાના અધિકારીઓ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા છે. હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસ હાલપૂરતી બંધ કરવામાં આવી છે, તેમજ સુરતના દરિયામાંથી તમામ માછીમારો દરિયામાંથી સલામત પરત ફર્યા છે, પરંતુ જો કોઈ માછીમાર દરિયો ખેડવાની તૈયારી કરતાં હોય તો તેમણે તાકીદે પાછા ફરવાની અપીલ કરી હતી. સુરતના સુવાલી, ડુમસ, ડભારી એ તમામ દરિયાકિનારા જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે. જેથી પ્રજાજનોએ દરિયાકિનારાના સ્થળોએ ન જવાનો અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત પશુપાલન, ખેતીવાડી વિભાગની ટીમોને સ્ટેન્ડ બાય રહેવા જણાવ્યું હતું.