બારડોલી : રાજસ્થાનથી (Rajshthan) મધ્યપ્રદેશ (MadhyaPradesh), મહારાષ્ટ્ર (Maharashtra) થઈ ગુજરાતમાં (Gujarat) ઘુસાડવામાં આવી રહેલા વિદેશી દારૂ (Liquor) ભરેલી કારનો (Car) સુરત જિલ્લા પોલીસે (Police) 30 કિમી સુધી પીછો (Chased) કરી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી 2.30 લાખ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બારડોલી ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે. એક સિલ્વર કલરની ઇગનીસ કાર (નંબર જીજે 01 કેયુ 8818) માં રાજસ્થાનથી બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશ કરી બાજીપુરા, બારડોલી, પલસાણા થઈ કડોદરા તરફ જનાર છે.
આ બાતમીના આધારે પોલીસની ટીમે માણેકપોર ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 પર આવેલી માણેકપોર ચેકપોસ્ટ ઉપર નાકાબંધી ગોઠવી હતી. આ દરમ્યાન બાતમી મુજબ ઇગ્નિસ કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક પોલીસની નાકાબંધી તોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારનો પીછો કર્યો હતો. અંદાજિત 30 કિમી સુધી પીછો કરી સુરત જિલ્લાના છેવાડાના વાઘેચ ગામની સીમમાં કારને ઝડપી લીધી હતી.
જો કે પોલીસને જોતાં જ કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ હિતેશ પુષ્કરલાલ સાલવી (રહે ઉદયપુર રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. જ્યારે નાસી છૂટેલા કાર ચાલક સોનુસિંહ મહેન્દ્રસિંહ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે 2 લાખ 30 હજાર 580 રૂપિયાનો વિદેશી દારૂ, એક મોબાઇલ ફોન રૂ. 500 અને કાર રૂ. 4 લાખ મળી કુલ 6 લાખ 31 હજાર 80 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.