SURAT

મેઘરાજાએ સુરત જિલ્લાને બે કલાકમાં ઘમરોળી નાંખ્યો, સુરત, કામરેજ, મહુવામાં 4 ઇંચ, પલસાણામાં 5 વરસાદ

સુરત: (Surat) સુરત જિલ્લામાં રવિવારે સાંજે બે કલાકમાં મેઘરાજાએ (Rain) રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. વિજળીના કડાકા ભડાકા સાથે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં તુટી પડેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી સુરત શહેર જાણે થંભી ગયું હતું. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.

  • સુરત, કામરેજ, મહુવામાં 4 ઇંચ, પલસાણામાં 5 અને બારડોલીમાં પોણા ચાર ઇંચ વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં તા.22 એ ભારે અને ત્યારપછી ચાર દિવસ મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાક સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારપછીના ચારેક દિવસ સુધી શહેરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી ધીમી ધારે વરસાદ પડે છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે પણ સવારથી વરસાદી માહોલ હતો. સાંજે એકાએક આકાશને કાળાડિબાંગ વાદળોએ ઘેરી લીધા હતા. અને સાંજે બે કલાકમાં મેઘરાજા તુટી પડ્યા હતા. જેમાં પલસાણામાં સૌથી વધારે 120 મીમી એટલે કે આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સુરત, કામરેજમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બારડોલી અને મહુવામાં પોણા ચારથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદને પગલે સતત 21 હજાર ક્યુસેક પાણીની આવક ચાલું છે. આજે ડેમની સપાટી 313.13 ફુટ નોંધાઈ હતી.

  • જિલ્લામાં પડેલો વરસાદ
  • તાલુકા વરસાદ મીમી
  • ઓલપાડ 24
  • માંગરોળ 19
  • ઉમરપાડા 32
  • માંડવી 30
  • કામરેજ 108
  • સુરત 101
  • ચોર્યાસી 16
  • પલસાણા 120
  • બારડોલી 90
  • મહુવા 97

Most Popular

To Top