સુરતઃ હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર સુરત જિલ્લામાં સોમવારના સવારના 6 વાગ્યાની સ્થિતિએ પાછલા 24 કલાકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જિલ્લામાં 2થી લઈને 6 ઈંચ જેટલો અનરાધાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઘણા વિસ્તારો જળબંબાકાર થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુજબ સુરત જિલ્લાના કામરેજ, પલસાણા અને સુરત સિટી તાલુકામાં 6-6 ઈંચ, મહુવામાં 5 ઈંચ, ઓલપાડ, માંગરોળ અને બારડોલીમાં 4 ઈંચ, માંગરોળ અને ચોર્યાસીમાં 2-2 ઈંચ, માંડવીમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આજે સોમવારે સવારના 6 વાગ્યાથી મેઘરાજા તમામ તાલુકાઓમાં અનરાધાર વરસી રહ્યા છે. સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં 114 મી.મી. એટલે કે સાડા પાંચ ઈંચ, બારડોલી અને કામરેજમાં 4-4 ઈંચ, જયારે મહુવામાં 18 મી.મી., ઓલપાડમાં 15 મી.મી., માંગરોળમાં 12 મી.મી., ઉમરપાડામાં 77 મી.મી., માંડવીમાં 66 મીમી, સુરત શહેરમાં 42 મીમી, ચોર્યાસીમાં 34 મીમી જેટલો વરસાદ વરસ્યો છે.
અમદાવાદ-મુંબઈ ને.હા. પર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી
સૌથી વધુ પલસાણામાં વરસાદ વરસતા અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પલસાણા નજીક નેશનલ હાઇવે નં 48 બેટમાં ફેરવાયો હોય તેવા દ્દશ્યો સર્જાયા છે. બત્રીસગંગા ખાડીના પાણી નેશનલ હાઇવે નં 48 ઉપર પાણી ફરી વળ્યા છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
આ રસ્તાઓ બંધ કરાયા
સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના 22 રસ્તાઓ ઓવરટોપીંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. જેમાં માંડવી તાલુકાના મોરીઠા કાલિબેલ રેગામા રોડ, ઉશ્કેર મુંજલાવ બૌધાન રોડ તથા ઉશ્કેરથી મુંજલાવ બૌધાન રોડ, ઉમરસાડી ખરોલી, મોરીઠા કાલિબેલ રેગામા રોડ એમ પાંચ રસ્તાઓ બંધ કરાયા છે. જયારે પલસાણા તાલુકામાં બગુમરા બલેશ્વર, બગુમરાથી તુંડી, ઓલ્ડ બી.એ.રોડ પાર્કીગથી ચલથાણ બલેશ્વર પલસાણા ગામ સુધી, મલેકપુર સીસોદરા રોડ, તુંડીથી દસ્તાન, કામરેજના પરબથી જોળવાના રસ્તાઓ બંધ કરાયા છે.
બારડોલી તાલુકાની વાત કરીએ તો ખસવાસા મોવાછી જોઈનીગ સામપુરા, વડોલીથી બાબલા, ખોજ પારડી વાઘેચા જોઈનીગ એસ.એસ. 167 રસ્તો, સુરાલી કોટમુંડાથી બેલ્ધા, સુરાલી ધારીયા ઓવારા, વડોલી અંચેલી, સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારીયા કોઝવે સુધી, ખોજ પારડીથી વાઘેચા, ટીમ્બરવા કરચકા સુધી, રામપુરા એપ્રોચ જેવા ગામ-ગામને જોડતા પંચાયત હસ્તકના 10 રસ્તાઓ વરસાદી પાણીના કારણે બંધ કરાયા છે. જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.
ઉકાઈ ડેમની સપાટી 313 ફૂટને વટાવી ગઈ
બપોરે 2 વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમની સપાટી 313.65 ફુટ છે. ડેમમાં 20,906 કયુસેકસ પાણીની આવક જયારે 600 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે ઉકાઈનું રૂલ લેવલ 333 ફુટ છે.