સુરત: ધી સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન (SDCA) ની 21 સભ્યોની મેનેજિંગ કમિટીની ચૂંટણી આગામી તા.13/04/2025 ના રોજ યોજાવા જઇ રહી છે. આ ચૂંટણી માટે આજે મુખ્ય ચૂંટણી કમિશનર એડવોકેટ આર.જે. શાહ અને એપેલેટ ઓફિસર જ્યોતિન્દ્ર ગજીવાલાએ ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી જમા થયેલા 108 ફોર્મની ચકાસણી કરી હતી. એ પૈકી 101 ફોર્મ માન્ય રહ્યાં હતા. 7 ફોર્મ રદ કરવા આવ્યા હતા.
પટેલ વિમલ બાબુભાઈ, મહેતા કલ્પેશ કાંતિલાલ, કોરેથ સાયમન વર્ગીસ, મલજી સૌરભ જગદીશ, પટેલ નિકેત સુનિલ, શાહ પ્રતીક સુરેન્દ્ર અને પટેલ સંજય લખુભાઈના ફોર્મ રદ કરેલા જાહેર કરી ચૂંટણી કમિટીએ તેઓને 24 કલાકમાં બચાવ કરવાની તક આપી છે. નિકેત સુનિલ પટેલના ફોર્મમાં દરખાસ્ત મૂકનારી મેઇન્ટેનન્સ ફી નહીં ભરી હોવાનું કારણ આપ્યું હતું. જોકે તેમણે મતદાન માટે 31/3/2025 સુધી ફી ભરી શકાય એવું કારણ આપી રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.
જોકે આજે એમની દરખાસ્ત મૂકનારી મેઇન્ટેનન્સ ફી ભરી દીધી હતી. અન્ય કેટલાક ઉમેદવારોએ નામ, સરનામા ખોટા લખ્યા હતા. એ કારણોસર ફોર્મ રદ થયા હતા. એક ઉમેદવારે પ્રપોઝ કોને કરે છે એ જ લખ્યું ન હતું. નેહલ ચંદ્રકાંત ગાંધી નામના ઉમેદવારે પ્રતીક પટેલ નામના સાક્ષીનો ઉલ્લેખ કરી સ્ટેડિયમ પેનલનાં ઉમેદવાર અને ખજાનચી મયંક દેસાઈએ ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવા ધમકી આપી હોવાના આક્ષેપો સાથેની લેખિત ફરિયાદ કરી હતી.
આ મામલામાં ચૂંટણી અધિકારીઓએ બંને પક્ષને પુરાવાઓ રજૂ કરવા આવતીકાલે હિયરિંગ રાખ્યું છે. કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની ઉમેદવારી સામે વાંધો નોંધાવનાર દીપક સેવકે ફરિયાદ પછી પાછી ખેંચી લેતા સ્ટેડિયમ પેનલને હાશકારો અનુભવ્યો હતો.
દીપક સેવકે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર જાતે ઉમેદવારી નોંધાવ્યા આવ્યા ન હોવાથી એમનું ફોર્મ રદ કરવા માંગ કરી હતી. જેને પગલે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર વતી ફોર્મ જમા કરનાર એમના દીકરા ઊર્મિલ કોન્ટ્રાક્ટરે ખાનગી હોસ્પિટલનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
સુનાવણી દરમિયાન પરિવર્તન પેનલના અગ્રણી દીપક સેવકે ચૂંટણી અધિકારીઓ સમક્ષ રૂબરૂ હાજર થઈ તેઓ અરજી પાછી ખેંચી લેતું લખાણ આપતા ચૂંટણી પંચે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરનું ફોર્મ માન્ય રાખ્યું હતું. 24 માર્ચે બપોરે 4 વાગ્યા સુધી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે.
સ્ટેડિયમ પેનલ સામે ચૂંટણી લડનાર પરિવર્તન પેનલના સભ્યોને સ્થાન આપવા સામે ડખો
બે વર્ષ અગાઉ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર અને સ્વ.હેમંત કોન્ટ્રાકટરની સ્ટેડિયમ પેનલ સામે ચૂંટણી લડનાર પરિવર્તન પેનલના વિપુલ મુનશી સહિતના 5/7 સભ્યોને પેનલમાં સ્થાન આપવાની ચર્ચા સામે પરિવર્તન પેનલમાં ડખો ઊભો થયો છે.
સૂત્રો કહે છે કે, સમાધાન ન થાય અને વિવાદ વધે તો સ્ટેડિયમ પેનલ દ્વારા દબાણ ડિઝિટમાં વધારાના ઉમેદવારો તૈયાર રાખવામાં આવ્યા છે.બીજી તરફ સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરના પત્ની નયનાબેન કોન્ટ્રાકટર અને દીકરી યેશા કોન્ટ્રાકટર દ્વારા સ્ટેડિયમ પેનલ ઉતારવામાં આવી છે.
