BARDOLI : સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારો સામાન્ય કાર્યકરો સાથે અભદ્ર વર્તન કરતાં હોવાનો ઓડિયો વાઇરલ થયો છે. સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખે બારડોલી તાલુકા ભાજપના કાર્યકર સાથે ફોન પર એલફેલ ભાષામાં વાત કરતાં કાર્યકરે સીધી પ્રદેશ અધ્યક્ષને લેખિતમાં ફરિયાદ કરતાં ભાજપ હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બારડોલી તાલુકા યુવા ભાજપના સક્રિય કાર્યકર શ્રવણકુમાર મિશ્રાએ મઢી ગામના એક વોર્ડમાં ચાલી રહેલા વિકાસના કામ અંગે પંદર દિવસ પહેલા પાર્ટીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સાથે એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. ગામમાં થઈ રહેલા વિકાસના કામો અંગે કરેલી આ પોસ્ટ ગામના સરપંચ અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પુષ્પાબેન ચૌધરીને પસંદ આવી ન હતી.
આ પોસ્ટથી પોતાનું કદ ઘટી જાય તેવું લાગ્યું હતું અને આથી તેમણે શ્રવણ કુમારને મઢી ગામ અંગેની કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયા પર નહીં મૂકવા માટે ફોન પર સૂચના આપી હતી અને તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. અને તું બહારનો છે, મારા ગામની પોસ્ટ કરવી નહીં એમ કહી અભદ્ર ભાષામાં વાત કરી અપમાન કરતાં શ્રવણકુમાર મિશ્રાએ આ બાબતે પ્રદેશ અધ્યક્ષને ફરિયાદ કરી છે. તેણે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આવા પાર્ટી બદલુઓને 5-10 વર્ષ સામાન્ય કાર્યકર તરીક મહેનત કરાવ્યા બાદ જ હોદ્દો આપવો. જેથી અભિમાનથી છકી નાના કાર્યકરોનું અપમાન ન કરે. સુરત જિલ્લા સંગઠનની હોદ્દેદારો અને કાર્યકરો પર નબળી પકડને કારણે હોદ્દેદારો સામાન્ય કાર્યકરોનું વારંવાર અપમાન કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે શ્રવણ કુમારે કરેલી આ ફરિયાદ સામે પ્રદેશ અધ્યક્ષ જિલ્લા ઉપપ્રમુખ સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.
તેણે ખોટી રીતે મારો કોલ રેકોર્ડ કરી વાઇરલ કરી દીધો છે: પુષ્પાબેન
આ બાબતે ઉપપ્રમુખ પુષ્પાબેનનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, શ્રવણ સુરાલીનો હોવાથી મારા ગામની પોસ્ટ ન મૂકવા માટે મેં તેને જણાવ્યું હતું. બીજી કોઈ વાત કરી નથી. તેણે ખોટી રીતે મારો કોલ રેકોર્ડ કરી વાઇરલ કરી દીધો છે. આ બાબતે મારે બીજું કઈ કહેવું નથી.