SURAT

સુરતના નારાજ રત્નકલાકારો “આપ” માટે ગેમ ચેન્જર સાબિત થયા: જાણો કોની અપીલ કામ કરી ગઈ

સુરત: (Surat) રત્નકલાકારોના (Diamond Workers) માથેથી વ્યવસાયવેરો રદ્દ કરવા 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે વચન આપ્યું હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યું ન હતુ. પાટીદાર અનામત આંદોલન (Paas) વખતે પોલીસ કાર્યવાહીનો ભોગ રત્નકલાકારો મોટી સંખ્યામાં બન્યા હતા. તે ઉપરાંત કોરોના સંક્રમણ દરમિયાન રત્નકલાકારોનો પગાર કાપી લેવા ઉપરાંત વતનમાં જવાની વ્યવસ્થા ન કરાતા આ વર્ગ નારાજ થયો હતો. રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે કોઇ રાહત પેકેજ જાહેર નહીં કરાતા સુરતમાં 13 સહિત રાજ્યમાં 31 રત્નકલાકારોએ આપઘાત કર્યો હતો. આ નારાજગીમાં તક્ષશિલાની આગ દુર્ઘટનાએ પણ નારાજગી ઊભી કરી હતી.

આ નારાજગીને પાટીદાર અનામત આંદોલન સમિતિ, ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન અને આપ સાથે સંકળાયેલા એનજીઓ દ્વારા 5 વર્ષના ભાજપ શાસનનું ઓડિટ રજૂ કરવામાં આવ્યું હતું. તેની ધારી અસર આપને મળેલા પરિણામમાં જોવા મળી હતી. મતદાનના 3 દિવસ અગાઉ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંક દ્વારા પાલિકાના ભાજપ શાસકોને ચૂંટણીમાં (Election) સબક શીખવવા અપીલ કરવામાં આવી હતી. આ અપીલને સુરતમાં કામ કરતા 2 લાખ જેટલા રત્નકલાકારો સુધી પહોંચાડવામાં આવી હતી. યુનિયનના અગ્રણી ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે રત્નકલાકારોએ ખુબ સારી રીતે સત્તા પક્ષને પાઠ ભણાવ્યો છે. લોકડાઉન દરમિયાન રત્નકલાકારોના સંગઠનોને મળવા શુધ્ધાની તસ્દી ન લેનાર શાસકોનો રત્નકલાકારોના વિસ્તારોમાં સફાયો થઇ ગયો છે. આપ દ્વારા રત્નકલાકારોના મુદ્દા ઉઠાવવા માટે ખાત્રી આપવામાં આવી છે.

આપના કેટલાક ઉમેદવારો જીતી ગયા હોય તેમ મતગણતરી પહેલા જ મતદાન કેન્દ્રો પર સરઘષ લઇ આવ્યા હતા
સુરત: પાસ, રત્નકલાકારો અને અન્ય જ્ઞાતિઓનો સમર્થન મતદાનના દિવસે આપને મળતા આપના કેટલાક ઉમેદવારો મતગણતરી પહેલા જ જીતના દાવાઓ મિડિયા સમક્ષ કરી રહ્યાં હતાં. કેટલાક ઉમેદવારો ખુલ્લી જીપ સાથે પોતાના સમર્થકોને લઇને આવ્યા હતા. આપના ઉમેદવારો પહેલાથી જ ઉત્સાહથી ભરપૂર જણાયા હતા. જાણે તેમને જીતની ખાત્રી થઇ ગઇ હતી.

સુરતમાં આપને મળેલી સફળતાની અસર જિલ્લા અને તાલુકા પંચાયતોના મતદાનમાં જોવા મળે તેવી શકયતા
સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીને 27 બેઠક મળતા આ સફળતાની અસર આગામી 28 મીએ સુરત અને તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ઉપરાંત તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. આપ દ્વારા આ બંને જિલ્લાઓમાં પણ ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે. સુરતનું પરિણામ જોતા સૌથી વધુ ભય કોંગ્રેસને દેખાઇ રહ્યો છે. તાપી જિલ્લા પંચાયતમાં છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસનું શાસન છે. જયારે સુરત જિલ્લા પંચાયતમાં ગત ટર્મમાં કોંગ્રેસની 12 બેઠકો રહી હતી. જે મતદારો સુરત મહાનગરપાલિકાના ચૂંટણીના પ્રભાવમાં મતદાન કરશે તેવી શકયતા છે. તે ઉપરાંત ભાજપ અને કોંગ્રેસથી નારાજ મતદારો જે મતદાન માટે વાડ પર બેઠા છે તેવા મતદારો આપ તરફી ઝુકાવ ધરાવી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top