SURAT

સુરત: હીરા ઘસવામાં પૈસા ઓછા મળતા રત્નકલાકાર ક્રિપ્ટોના રવાડે ચઢ્યો અને…

સુરત(Surat) : જૂનાગઢ ખાતે નિવૃત્ત આર્મીમેન સહિત અનેક લોકોને દુબઈની (Dubai) કંપનીમાં ક્રિપ્ટો કરન્સીમાં (Crypto Currency) રોકાણના (Invest) નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર એજન્ટની ધરપકડ (Arrest) બાદ સુરત એસઓજીની (SOG) મદદથી જૂનાગઢ એસઓજીએ સિટી લાઈટ ખાતેથી મુખ્ય સૂત્રધારને પણ ઝડપી પાડ્યો હતો. જૂનાગઢ એસઓજીની ટીમે ગત 30 જૂને સુરતમાં આવી જૂનાગઢમાં નિવૃત્ત આર્મીમેન સહિત અનેકની સાથે રોકાણના નામે કરોડોનું ફૂલેકું કરનાર આરોપીને પકડી પાડવા સુરત પોલીસ કમિશનરની મુલાકાત લઈ મદદ માંગી હતી. જેથી સુરત એસઓજીની મદદથી જૂનાગઢથી નાસી સુરત આવેલા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

એસઓજીએ આ ગુનામાં સંડોવાયેલા આરોપી કિશન અશોક બોરખતરિયા (ઉં.વ.26) (રહે.,ફ્લેટ નં-૮૦૫, સુમનઘટા બિલ્ડિંગ નં-એ એલ.પી.સવાણી સ્કૂલ નજીક, અડાજણ તથા મૂળ જૂનાગઢ)ને ઝડપી પાડ્યો હતો. આ એજન્ટની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, પોતે આ સિન્ડિકેટનો જૂનાગઢ ખાતેનો એક એજન્ટ છે. અને તેની ઉપર ગુજરાત લેવલે દુબઈની ESPN કંપનીનું નેટવર્ક સુરત ખાતે રહી એક વ્યક્તિ ઓપરેટ કરે છે. એસઓજીની ટીમે આ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરતાં બાતમીના આધારે ન્યૂ સિટી લાઈટ રોડ ઓમ ટેરેસ ફ્લેટ નં.૭૦૪માંથી જયેશ લીલા પટોડિયા (ઉં.વ.37) (રહે., ફ્લેટ નં.૭૦૪, ઓમ ટેરેસ ન્યૂ સિટી લાઈટ રોડ, શ્યામ ખાટુ મંદિર વેસુ તથા મૂળ જૂનાગઢ)ને ઝડપી પાડ્યો હતો.

દુબઈની કંપનીને બેંગ્લુરુથી ઓપરેટ કરનારની મુલાકાત લઈ સ્કીમ સમજી હતી
મુખ્ય સૂત્રધાર પકડાતાં તેની પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે, મેં બી-કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. અગાઉ હીરા ઘસવાની મજૂરીકામ કરતો હતો. જેમાં પૈસા ઓછા મળતા હતા. દરમિયાન ક્રિપ્ટો કરન્સીમાં પૈસા સારા મળતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ ધંધાની જાણકારી મેળવવા તેના મિત્રનો સંપર્ક કરી તેની પાસેથી ક્રિપ્ટો કરન્સી બાબતે જાણકારી મેળવી હતી. અને મારા મિત્રએ દુબઈ સ્થિત ESPN કંપનીના ક્રિપ્ટો કરન્સી કોઈનમાં રોકાણ કરવાથી સારા પૈસા મળશે તેવું જણાવ્યું હતું. અને આ દુબઈની કંપનીનું ભારત ખાતે બેંગ્લુરુથી ઓપરેટ કરતી એક વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી.

કંપની તરફથી મળતું કમિશન બીજા એકાઉન્ટ હોલ્ડરને વેચતો
ક્રિપ્ટો કરન્સી કોઈનમાં રોકાણ કરવાનું તેના મિત્ર સાથે ભાગીદારીમાં ચાલુ કર્યું હતું. અને જેમાં તે તેની નીચે અન્ય વ્યક્તિઓનું રૂ.3.60 લાખમાં એકાઉન્ટ ખોલાવતો હતો. કંપની તરફથી એકાઉન્ટમાં કમિશનરૂપે આપવામાં આવતા કોઈન તે નવા એકાઉન્ટ હોલ્ડરને એક કોઈનના રૂ.78 લેખે વેચાણથી આપતો હતો. અને કસ્ટમરને શરૂઆતમાં એક વીકના 24 હજાર રૂપિયા ચૂકવતા હતા. અને તેમાં તેને લાખો રૂપિયાનું કમિશન મળતું હતું

આ રીતે ક્રિપ્ટો કરન્સીનું રેકેટ ચલાવતો હતો
લોકોને આ સ્કીમમાં રોકાણ કરવા આકર્ષાય અને લોકો વધુ પ્રભાવીત થાય એ માટે મોંઘીદાટ હોટલોમાં સેમિનારો યોજતા હતા. અને જે લોકો આ સ્કીમમાં ઇચ્છા દર્શાવતા તેને તેઓ વધુ નફાની લાલચ આપી પોતાના એજન્ટ તરીકે નિમણૂક કરતા હતા. અને તેમના મારફતે અલગ અલગ વ્યક્તિઓનાં એકાઉન્ટ ખોલાવડાવી તેમાં રોકાણ કરાવી ક્રિપ્ટો કરન્સીનું રેકેટ ચલાવતા હતા.

જૂનાગઢમાં 1.70 કરોડનું ફૂલેકું ફેરવ્યું હતું
પોતે આ કંપનીનું હેન્ડલિંગ ગુજરાત ખાતેથી કરવા લાગ્યો હતો. તેણે પોતાની નીચે ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં પોતાના એજન્ટો બનાવી અસંખ્ય લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું. જેમાં જૂનાગઢ ખાતે રહેતા તેના એજન્ટ કિશન અશોક બોરખતરિયા વિરુદ્ધ ત્યાંના લોકોએ ક્રિપ્ટો કરન્સીમાં ઊંચા નફાની લાલચ આપી તે 1.70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવી નાસી ગયો હતો. જે અંગે જૂનાગઢમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી.

Most Popular

To Top