સુરત: (Surat) ભાવનગરનો ખેડૂત ચાર મહિના પહેલાં ફેસબુક (Facebook) પર ભોગ બન્યા બાદ તેને રૂપિયાની તકલીફ હોવાથી ફેસબુક પર છોકરીના નામે બોગસ એકાઉન્ટ બનાવી કોલબોયની (Call Boy) નોકરી માટે જાહેરાત મૂકી હતી. અને સુરત સરથાણામાં રહેતા રત્નકલાકારને ફસાવી તેની પાસેથી 29 હજાર પડાવી તેના ઓપન ફોટો અને વિડીયો વાયરલ કરી દેતાં સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી ખેડૂતની ધરપકડ કરી હતી.
- કોલબોય તરીકે કામ અપાવવાના બહાને સુરતના રત્નકલાકાર પાસે 29 હજાર પડાવ્યા
- ઓપન ફોટો અને વિડીયો વાયરલ કરી દેતાં સાયબર ક્રાઈમે ખેડૂતની ધરપકડ કરી
- ભાવનગરના ખેડૂતે પોતે ચારેક મહિના પહેલા છેતરાયા બાદ ફેસબુક પર છોકરીના નામે એકાઉન્ટ બનાવી તેનો નંબર રત્નકલાકારને આપ્યો હતો
સરથાણા ખાતે રહેતા 29 વર્ષીય રત્નકલાકારે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાં હતા. તેમને રૂપિયાની સખત જરૂર હતી. દરમિયાન ગત 28 નવેમ્બરે ફેસબુક પર ઓનલાઈન જોબ સર્ચ કરતા હતા. ત્યારે જીનલ મહેતા નામનું એકાઉન્ટ જોતાં તેમાં કોલબોયની જોબની જાહેરાત વાંચી હતી. જેમાં એક છોકરીએ 5 હજાર રૂપિયા મળશે તેવી જાહેરાત લખી હતી. તેમાં આપેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરતાં મુકેશ શર્મા નામે ઓળખ આપી હતી. તેમને 6 મહિના નોકરી કરવી હોય તો 1000 અને એક વર્ષ નોકરી કરવી હોય તો 2 હજાર ભરવા કહ્યું હતું. આથી તેમને ગૂગલ પે ઉપર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તેને સ્વેતા નામની છોકરીનો નંબર રત્નકલાકારને આપ્યો હતો.
સ્વેતાએ વોટ્સએપ કરીને પોતે વડોદરા હોવાનું અને સુરતમાં હોટલ બુક કરાવવાની છે. પરંતુ તેના પિતાનું ઓપરેશન હોવાથી દવાખાને લઈ જાઉં છું. એટલે 6 હજાર હોટલ બુકિંગના ટ્રાન્સફર કરાવી દો તેમ કહ્યું હતું. બાદ તેની પાસેથી ધીમે ધીમે 29 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી થઈ હતી. આ વચ્ચે એકવાર રત્નકલાકાર પાસે ઓપન ફોટો અને વિડીયો માંગતાં રત્નકલાકારે તે મોકલી આપ્યો હતો. આ ફોટો-વિડીયો બાદમાં રત્નકલાકારના સંબંધીઓને વાયરલ કરી દીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી આરોપી ભીમાભાઇ ઉર્ફે ભીમો રાજુભાઇ ભંમર (ઉં.વ.૨૫) (રહે.,પાદરી, પસવી ગામ વાડી વિસ્તાર, તા.તળાજા, જિ. ભાવનગર)ને ઝડપી પાડ્યો હતો. ભીમાભાઈ પોતે ખેડૂત છે અને ચાર મહિના પહેલાં આ જ રીતે તેમની સાથે છેતરપિંડી થઈ હતી. ત્યારે તેમણે 15 હજાર રૂપિયા ગુમાવતાં આ રીતે છેતરપિંડી કરી હતી.