સુરત: (Surat) મહિધરપુરા ખાતે આકાશ શાહ નામના હીરા દલાલે (Diamond Broker) 9 જેટલા હીરા વેપારીઓ (Traders) પાસેથી 7.31 કરોડની કિમતના 80.05 કેરેટ હીરાનો માલ લઈને તેનું પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.
- મહિધરપુરામાં 9 વેપારીઓ પાસેથી 7.31 કરોડના હીરા લઈ દલાલ ગાયબ
- હીરા દલાલે વેપારીઓને પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ
નાના વરાછા ખાતે હંસ વિહાર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય ઉમેશભાઈ મધુભાઈ ક્યાડા મહિધરપુરા હીરા બજારમાં હીરાની ઓફિર ધરાવે છે. તેઓ હીરા બજારમાં તૈયાર હીરા લે-વેચનો વેપાર કરે છે. તેમના દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આકાશ પ્રફુલભાઈ શાહ (રહે. ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, અઠવાલાઈન્સ તથા મુળ બનાસકાંઠા) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આકાશ હીરા દલાલ તરીકે વચ્ચે રહીને સમયસર ચુકવણુ કરવાનો વિશ્વાસ કેળવી ઉમેશભાઈની ઓફિસમાંથી માર્ચ 2023 થી એપ્રિલ 2023 માં 39.55 કેરેટના તૈયાર હીરા જેની કિમત 71.83 લાખના લઈ ગયો હતો.
આ પહેલા તે નાની કિમતના હીરા લઈ ગયો અને તેનું સમયસર પેમેન્ટ કરી ગયો હતો. બાદમાં માર્ચ 2023 માં એક પાર્ટીને બતાવવા માટે આ હીરા લઈ ગયો હતો. પરંતુ સમય મર્યાદા પુરી થઈ છતા તેને પેમેન્ટ નહી આપતા ઉમેશભાઈએ માર્કેટમાં તપાસ કરાવતા તેને અનેક વેપારીઓ પાસેથી હીરા લઈને તેનું પેમેન્ટ નહી ચુકવ્યાનું ધ્યાને આવ્યું હતું. તેણે માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ 7.31 કરોડની કિમતના 850.05 કેરેટ હીરાનું પેમેન્ટ નહી કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
કોની કોની પાસેથી કેટલા હીરા લઈ ગયો
ડી.વી.ડાયમંડના નામે વેપાર કરતા વેપારી ભાવેશ કનાડીયાને 24.73 લાખના, દેવી ડિયામના વેપારી નિલેશ પાનશેરીયાને 37.08 લાખ, શીવાસ્થ ડાયમંડના વેપારી હરેશભાઈ વિરાણીને 6.03 લાખના હીરા, ભોજલ જેમ્સના માલિક તેજસભાઈ સાવલીયા પાસેથી 2.96 કરોડ, ડેમોટ ડાયમંડના દેવાંગભાઈ બરવાળીયા પાસેથી 1.82 કરોડના હીરા, અક્ષય ડાયમંડના વેપારી પાસે જીગર મોદી પાસેથી 15.37 લાખના હીરા, વર્ષ ઇમ્પેક્ષના પ્રકાશભાઈ રાદડીયા પાસેથી 28.72 લાખના, રામદુત એક્સપર્ટના દિનેશ ચલોડીયા પાસેથી 36.18 લાખના હીરા, પંચમુખી જ્વેલ્સના હરેશભાઈ બુડાસણા પાસેથી 31.77 લાખના હીરા મળીને કુલ 7.31 કરોડની કિમતના 850.05 કેરેટ હીરા લઈ ગયો છે.