સુરત: (Surat) ડાયમંડ સિટી (Diamond City) ગણાતા સુરત શહેરમાં હવે બિલ (Bill) વગર હીરાનો વેપાર કરતા વેપારીઓ (Diamond Traders) માટે લાલબત્તી સમાન એક કિસ્સો બહાર આવ્યો છે. હીરાના વેપારમાં બિલો ન હોય તો તેવા વ્યવહારને કાયદેસર ગણી શકાય નહીં. આ તમામ વ્યવહારો ગેરકાયદેસરના છે તેમ ટાંકીને કોર્ટે ચેકરિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો હતો. 10 વર્ષ પહેલા પણ ડીઆરઆઇએ બે વિદેશી નાગરીકો પાસે બિલ વગરના હીરા હોવાથી કેસ કર્યો હતો. અને હાલના કેસમાં પણ ફરિયાદી પાસે હીરાની કાયદેસરતાનો કોઇ પુરાવો ન હતો. હાલના આરોપીને 10 વર્ષ જૂના બ્લડ ડાયમંડ કેસનો લાભ મળ્યો હતો.
- ફરિયાદી પોતે હીરાનો વેપાર કરે છે તેવો કોઇ પુરાવો રજૂ કર્યો નથી, તેમજ હીરાના બિલ પણ રજૂ કરાયા નથી
- બિલ વગર વેપાર કરતા વેપારીઓ માટે લાલબત્તી સમાન કેસ
આ કેસની વિગત મુજબ વરાછાના બરોડા પ્રિસ્ટેજની સામે વિશ્વેશ્વર સોસાયટીમાં રહેતા રાયચંદભાઇ ભવાનભાઇ પટેલે સને-2014માં કોઝવેની માધવદર્શન સોસાયટીમાં રહેતા અને મહિધરપુરાના દાલગીયા મહોલ્લામાં ડાયમંડ વિલેજમાં વેપાર કરતા પરેશભાઇ સાવલીયાને રૂા. 38 લાખ ઉપરાંતનો હીરાનો માલ આપ્યો હતો. જેના ચુકવણા પેટે ફરિયાદીએ ચેકો લીધા હતા. જે ચેકો રિટર્ન થતા ફરિયાદીએ રાયચંદભાઇએ કોર્ટમાં કેસ કર્યો હતો. સામે પરેશભાઇ તરફે વકીલ અશ્વિન જોગડીયાએ દલીલો કરી હતી કે, આરોપી પરેશભાઇ તન્મય ક્રિએશનના પોપ્રાઇટર હોવાનો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. આરોપીને હીરા આપ્યા હોવાના કોઈ બિલ કે પુરાવા તથા હીરા વેચાણ માટે જરૂરી કેપિસી સર્ટિ કે હીરાની માલિકી દર્શાવતો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. જેથી આવા હીરાને બ્લડ ડાયમંડ કહેવાય.
ઉપરાંત ફરિયાદી પોતે ડાયમંડનું કામ કરતા હોવાનો પણ કોઈ પુરાવો રજૂ નથી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ પરેશભાઇ સાવલીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. સાથે કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ અનાજ કરિયાણાનો વેપાર કરે અને જણાવે કે બિલ, ડિલિવરી પુરવાર કરવા જરૂરી નથી તો એક તબક્કે માની પણ લઈએ. પરંતુ હીરા વેચાણ કોઈ સામાન્ય વેપાર નથી કે કોઈ સામન્ય માલ સામાન નથી. જેથી જો ગેરકાયદેસર હીરા વેચાણનો વ્યવહાર હોય તો તે ગેરકાયદેસર છે, એમ નોંધી ને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.