SURAT

સુરતમાં ગઈકાલે હીરાના કારખાનામાંથી થયેલી હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો

સુરત: (Surat) કાપોદ્રા ખાતે આવેલા હીરાના (Diamond) કારખાનામાંથી ગઈકાલે 48.86 લાખના હીરાની ચોરી થઈ હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી ત્યારે ક્રાઈમ બ્રાંચે (Crime Branch) આરોપીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ચોરી કરનાર કારખાનાનો કારીગર જ નીકળ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કાપોદ્રા ખાતે મોહનનગરમા આવેલા સંત-આશીષ ડાયમંડ નામના કારખાના માથી અજાણ્યો ચોર ગઈકાલે સવારે કારખાનામાં પાછળના ભાગેથી અંદર પ્રવેશ કરી એસિડમા બોઇલ કરવા મુકેલા 48.86 લાખની કિમતના 148.80 કેરેટ હીરાની ચોરી કરી નાસી ગયો હતો. કારખાનેદાર ધુલાભાઈએ કાપોદ્રા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ચોરીની ઘટના બનતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કાફલો કારખાના પર પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસનું ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન ક્રાઈન બ્રાંચની ટીમે બાતમીના આધારે અમરોલી વરીયાવ ટી-પોઇન્ટ પાસેથી આ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે દિપક અચ્છેલાલ માલી (ઉ.વ.૨૩, ધંધો:-હીરા કર્મીંગ, રહે. શીવનગર સોસાયટી, છાપરાભાઠા, અમરોલી તથા મુળ બનારસ, ઉત્તરપ્રદેશ), ચન્દ્રેશ મુળજીભાઇ ચોવટીયા(ઉ.વ.૩૨, ધંધો:-હીરા સાઇનીંગમાં નોકરી, રહે. વૃંદાવન સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી તથા મુળ જામનગર) અને સુનિલ ઉર્ફે સરકાર રતનભાઇ ડાયમા (ઉ.વ.૨૧, ધંધો:-હીરા ટીચીગ, રહે. રામનગર સોસાયટી, અમરોલી) ને પકડી પાડી તેમની પાસેથી ચોરીના તમામ હીરાના મુદ્દામાલ રિકવર કર્યો હતો. ચોરી કરનાર કારીગરનો પુત્ર અવાર નવાર બિમાર રહેતો હોવાથી હોસ્પિટલમાં ઘણો ખર્ચ થયો હતો. અને તેના લીધે દેવું પણ થઈ ગયું હતું. જેથી કારીગરે બે મિત્રોને ટીપ આપીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

કારીગરે તેના બે મિત્રોને ટીપ આપી ચોરી કરાવી હતી
ચન્દ્રેશ મુળજીભાઇ ચોવટીયા આજ હીરાના કારખાનામાં છેલ્લા ચાર વર્ષથી હીરા શાઇનિંગ મારવાનું કામ કરતો હતો. તેથી તેને કારખાનાની બધી ગતિવિધિ ખબર હતી. તેણે કારખાનામાં ચોરી કરવા માટે સુનિલ અને દીપક માલીને ટીપ આપી હતી. અને હીરા તૈયાર કરવા માટે કયા રૂમમાં મૂકવામાં આવે છે તે બધી જાણકારી આપી હતી. 15 ફેબ્રુઆરીના રોજ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. અને ગઇ 17 ફેબ્રુઆરીએ ત્રણેય બરોડા પ્રિસ્ટેજ પાસે ભેગા થયા હતા. અને ચોરી કરવાનું નક્કી કરી સવારે 7:15 વાગ્યાના અરસામાં બોઇલ રૂમમાં જયા બીકરમાં હીરા તૈયાર કરવા માટે મુકતા હોય તે રૂમમાં બારીવાટે પ્રવેશ કરી હીરા મુકેલ બીકર આખે આખુ ચોરી કરી પોતાની પાસેની કાળા કલરની બેગમા મુકી ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે આરોપીઓ પાસેથી તૈયાર હીરા ૧૪૮:૩૮ કેરેટ, કુલ કિ.રૂા.૪૮,૨૨,૩૫૦, કાચનું હીરા બોઇલ કરવાનુ બીકર મળી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top