સુરત: (Surat) ઘોર કળિયુગમાં પ્રામાણિકતા અને માનવતા હજી જીવંત છે એવું અદભુત ઉદાહરણ સુરતનાં હીરા ઉદ્યોગ (Diamond Industries) અને કાપડ ઉદ્યોગની કારમી મંદીમાં (Financial Crisis) કાપડનાં વેપારી બિપીનભાઈ ડાયાભાઈ ગોપાણી ( ચોગઠ) એ પૂરું પાડ્યું છે. ટેકસટાઇલનાં વ્યવસાય સાથે સંકળાયેલા કાપડનાં વેપારીને હીરાનું પેકેટ મળતા તેમણે મૂળ માલિકને પરત કરી દીધું હતું.
- મંદીના માહોલમાં કાપડના વેપારીને મળેલું 14 થી 15 લાખનું રફ ડાયમંડનું પડીકું પરત કર્યું
- હીરાના પેકેટની ચિઠ્ઠીમાં પાર્ટીનુનામ અને મોબાઈલ નંબર હોવાથી કાપડનાં વેપારી બિપિન ગોપાણીએ સુરત ડાયમંડ. એસો.માં પડીકું જમા કરાવી મૂળ માલિકને પરત કર્યું
કાપડના વેપારી બિપિન ગોપાણી તા.૨૪.૦૫.૨૦૨૩ ના રોજ મહિધરપુરા હિરા બજાર માં પોતાના કામ માટે ગયા હતાં.ત્યાં તેમને ૧૪ થી ૧૫ લાખનું એક રફ ડાયમંડનું પેકેટ મળ્યું હતું. એ પેકેટની અંદર કોઈ પાર્ટીના નામની ચિઠ્ઠી અને મોબાઈલ નંબર હતો. બિપીનભાઈએ હીરાનું પડીકું મળ્યું હોવાની જાણ તેઓના ખાસ અંગત મિત્ર રમેશભાઈ વઘાસિયાને કરી હતી. તેમને અત્યારે હીરા ઉદ્યોગમાં કારમી મંદી છે ત્યારે જો આ પડીકું નાના હીરાના વેપારી કે બ્રોકરનું હશે અને જો કોઈ બીજાને મળ્યું હોત અને એ પરત ન કરે તો હીરા વેપારી અને બ્રોકર દેવાદાર બની શકે. રમેશભાઇ બીપીનભાઈને આ હીરાનું પડીકું સુરત ડાયમંડ એસોસિએશનમાં જઇ જમા કરાવવાનું જણાવ્યું હતું જેથી મૂળ માલિકને મળી શકે.
રમેશભાઈ વઘાસિયાએ બિપીન ભાઈ ચોગઠને કહ્યું કે પેકેટ વાળી પાર્ટી નો નંબર હોવાથી આપણે તેમને સુરત ડાયમંડ એસોસિએશન પર બોલાવી પેકેટ આપવું જોઈએ. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રી નાનુભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, બિપીનભાઈએ સુરત ડાયમંડ એસો.ના હોદ્દેદારોને હીરાના પેકેટ બાબતે વિગતવાર માહિતી આપી હતી પેકેટમાં જે નંબર હતો તે મૂળ પાર્ટીનો જ હતો. તે પાર્ટી સાથે કન્ફર્મ કર્યા બાદ તેમને પણ સુરત ડાયમંડ એસો.ની ઓફીસમાં બોલાવી આ પેકેટ અનિલભાઈ નામના વેપારીનું હતું તેમને પરત કર્યું હતું.
હીરાનું પેકેટ પરત કરનાર બિપીન ભાઈ (ચોગઠ )ને સુરત ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ જગદીશ ભાઈ ખુંટ, મંત્રી દામજીભાઈ માવાણી, સહમંત્રી શ્રી ભુપતભાઈ કનાળા , સંસ્થાના પૂર્વ પ્રમુખ બાબુભાઈ છોડવડી દ્વારા પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવા આવ્યા હતા અને હીરાનું પેકેટ મૂળ માલિક અનિલભાઈને સૌની હાજરીમાં સુપ્રત કરવામાં આવ્યું હતું.નાનુભાઈ વેકરીયાએ પ્રમાણિકતા બતાવવા બદલ બિપીનભાઈ ચોગઠને અભિનંદન પાઠવ્યા હતાં અને પેકેટના મૂળ માલિક અનિલ ભાઈએ બિપીન ભાઈનો આભાર માન્યો હતો.