સુરત: (Surat) ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) ના અધિકારીઓ દ્વારા શુક્રવારે સચીન જીઆઇડીસીને (Sachin GIDC) અડીને આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) (SEZ) ની બહાર સર્ચ કાર્યવાહી દરમિયાન જાણીતી ડાયમંડ કંપનીનો (Diamond Company) કર્મચારી તૈયાર હીરાના લોટ સાથે ઝડપાતા સુરત ડીઆરઆઇના (DRI) અધિકારીઓએ તેને ડિટેન કરી પૂછપરછ શરૂ કરી છે.
- તૈયાર હીરા લઇ જઇરહેલા ડાયમંડ કંપનીના કર્મચારીને અટકમાં લેવાયો
- સેઝમાં રફમાંથી તૈયાર થતી કોઇપણ પ્રોડકટનું ફરજિયાત એક્સપોર્ટ કરવાનું હોય છે
- હીરા લોકલ માર્કેટમાં વેચવા હોય તો કસ્ટમની મંજૂરી લઇ 7.5 ટકા ડ્યૂટી ભરવી પડે છે
- સચીનના સુરત સેઝ બહાર ડીઆરઆઇની સર્ચ કાર્યવાહી
સેઝના નિયમ પ્રમાણે જે રફ ડાયમંડ સેઝમાં ઇમ્પોર્ટ થાય છે. તેને પોલીશ્ડમાં તબદીલ કરી જવેલરીમાં વેલ્યુએડીશન વર્ક સાથે અથવા લુઝમાં તૈયાર હીરાના સ્વરૂપમાં ફરજીયાત એક્ષપોર્ટ કરવાનું હોય છે. સેઝમાં ઇમ્પોટ થયેલી રફ પ્રોડકટ લોકલ માર્કેટમાં વેચી શકાતી નથી. વેચવામાં આવે તો અનેક ઘણી પેનલ્ટી, દંડ અને વ્યાજની રકમ ભરવાપાત્ર બને છે. એટલું જ નહીં એન્ટી મની લોન્ડિરિંગ એકટ હેઠળ ફેમાની કાર્યવાહી કરવામાં આવે છે.
આ કિસ્સામાં સુરત ડીઆરઆઇના અધિકારીઓ શુક્રવારે સચીન સેઝની બહાર ઊભા હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં એક વ્યકિત વાહન પર ભાગતો દેખાતા તેને અટકાવી ઝડપી લેવામાં આવતા તેની પાસેથી તૈયાર હીરાનું પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટને લઇ તેને કોઇ ખુલાસો નહીં કરતાં ડીઆરઆઇના અધિકારીઓએ તેને અટકાયતમાં લઇ પૂછપરછ શરૂ કરી છે. સેઝમાં આવેલા રફ ડાયમંડમાંથી તૈયાર હીરા લોકલ માર્કેટમા વેચવા હોય તો સૌથી પહેલાં કસ્ટમની મંજૂરી લેવી પડે છે અને તેના ઉપર ૭.૫ ટકા ડયુટી ભર્યા બાદ જીએસટી સાથે વેચી શકાય છે. આ મામલામાં આવું કંઇ થયું ન હોવાથી તપાસ શરૂ કરવામાં આવી છે. ડીઆરઆઇને શંકા છે કે સેઝમાંથી તૈયાર હીરા સુરતના માર્કેટમાં વેચવામાં આવે છે.