સુરત : ડિરેક્ટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સુરત રિજ્યનને મળેલી બાતમીને આધારે ઈન્ટેલિજન્સ ઓફિસર વિક્રાંત દ્વારા જાપ્તો ગોઠવીને ગત શુક્રવારના રોજ સચિન જીઆઈડીસીને અડીને આવેલા સુરત સ્પેશિયલ ઈકોનોમીક ઝોન (સુરત સેઝ) બહારથી શંકાસ્પદ હાલતમાં બેગ સાથે બહાર આવેલા યુવાનની પુછપરછ કરતા તેની પાસેથી તૈયાર કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનો જથ્થો મળી આવ્યો હતો. 12 ડિસેમ્બરના રોજ આ આરોપીની પુછપરછ કરતા તે સેઝમાં આવેલી કરોલીના ટ્રેડિંગ ઈન્ડિયા પ્રા. લિ. નામની ડાયમંડ કંપનીનો ડિરેક્ટર હોવાની કબૂલાત કરી હતી. ડીઆરઆઈના અધિકારીઓએ પુછપરછ પછી આ સમગ્ર મામલો હવાલા અને મની લોન્ડરિંગનો હોવાનું જણાતા આ ડાયમંડ કંપનીના ત્રણ માલિકો રાકેશ ભીકમચંદ રામપુરીયા (રહે. રઘુવીર સેફ્રોન અલથાણ), સાગર બીપીનચંદ્ર શાહ (રહે. બ્રિજરત્ન વિલા ફ્લેટ, વેસુ, સુરત.) અને વિકાસ વિજયચન્દ ચોપડા (રહે. આશિર્વાદ વિલા, વેસુ)ની ધરપકડ કરી તેમની પુછપરછ કરી હતી. આ મામલામાં ડીઆરાઆઈ સુરતને કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની જરૂરિયાત જણાતા ત્રણે આરોપીઓને સુરતના ચિફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ડીઆરઆઈ વતી મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી. ડીઆરઆઈના સૂત્રના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ સુરત સેઝમાં નેચરલ ડાયમંડ ઈમ્પોર્ટ કરવાની આડમાં એવી એમઓબી કરી હતી કે નેચરલ ડાયમંડ માત્ર 10 ટકા જથ્થામાં આવતા હતા જ્યારે 90 ટકા ડાયમંડ આર્ટિફિશિયલ – ફેક ડાયમંડ એટલે કે પ્લાસ્ટિકના ડાયમંડ કે જેની કિંમત રદ્દી બરાબર ગણવામાં આવે છે. તે ઈમ્પોર્ટ કર્યા હતા. એટલું જ નહીં જે 10 ટકા ડાયમંડ હતા તે પણ સેઝની બહાર ડોમેસ્ટિક માર્કેટમાં વેચી નાખવામાં આવ્યા હતા.
સેઝમાં જે પ્લાસ્ટિકના આર્ટિફિશિયલ ડાયમંડ ઈમ્પોર્ટ થતા હતા તેને કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ ઊંચી કિંમતના દર્શાવી રી-એક્સપોર્ટ કરવામાં આવતા હતા. અને તે થકી સેઝમાં મળતા ઈન્સટેન્ટિવનો લાભ ડ્યુટી ડ્રોબેક સ્વરૂપે લેવામાં આવતો હતો. ડીઆરઆઈને અત્યાર સુધીના જે ડેટા અને ડોક્યુમેન્ટ મળ્યા છે તે પ્રમાણે 135.55 બિલિયન યુએસ ડોલરની કિંમતના ઓરિજનલ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ ઈમ્પોર્ટ થયાની ચોપડે દર્શાવવામાં આવ્યુ છે. જેની કિંમત ભારતના હીરા બજાર પ્રમાણે 1016 કરોડ થવા જાય છે. નવાઈની વાત એ છે કે સેઝમાં આવેલા આ હીરાની કિંમત પણ વિદેશમાં રહેતા એક્સપોર્ટરને ચુવવામાં આવી છે. જ્યારે 10 ટકા ઓરિજનલ ડાયમંડ સુરતના સ્થાનિક બજારમાં કોને વેચવામાં આવ્યા છે તેની તપાસ ડીઆરઆઈ કરી રહી છે.
675 કરોડ રૂપિયા હવાલાથી બહાર મોકલાયા, આંગડિયા પેઢીઓ પણ ભેરવાશે
સુરત ડીઆરઆઈ દ્વારા કોર્ટમાં આ સમગ્ર મામલો બે પ્રકારના ગુનાનો દર્શાવવામાં આવ્યો છે. એસઈઝેડના નિયમ પ્રમાણે અહીં વિદેશથી ઈમ્પોર્ટ થયેલા ડાયમંડ સોએ સો ટકા વેલ્યુ એડિશન સાથે એક્સપોર્ટ કરવાના હોય છે. તે ડોમેસ્ટિક માર્કેટમાં વેચવુ ગૂનો બને છે. આ કિસ્સામાં 10 ટકા નેચરલ ડાયમંડ ઈમ્પોર્ટ થતા હતા તેને આ ડાયમંડ કંપનીના વેપારીઓ કંપનીની કારમાં સેઝ બહાર લઈ જઈ ડોમેસ્ટિક માર્કેટમાં વેચી દેતા હતા. જ્યારે આર્ટિફિશિયલ પ્લાસ્ટિકના ડાયમંડ નેચરલ ડાયમંડ તરીકે વેલ્યુ એડિશનમાં ખપાવી એક્સપોર્ટ કરી લેવડ-દેવડની રકમ હવાલાથી મોકલતા હતા. 12 ડિસેમ્બર 2021 સુધી 675 કરોડની તોતિંગ રકમ હવાલાથી મોકલવામાં આવી હોવાનું ડોક્યુમેન્ટની તપાસમાં બહાર આવ્યું છે. આ રકમ મોકલવા માટે સુરતના આંગડિયાની પણ મોટી ભુમિકા છે. તે જોતા કંપનીના માલિકો અને આંગડિયાઓ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ બાકી છે. બીજો ગુનો હીરાની સ્મગલિંગનો પણ બને છે.
સેઝમાં કરોલીયા ટ્રેડિંગ કંપની શરૂ થયાને એક જ વર્ષ થયું હતુ
સચિન સ્થિત સુરત સેઝમાં કરોલીયા ટ્રેડિંગ પ્રા.લિ. કંપની શરૂ થયાને માત્ર એક જ વર્ષ થયું હતું. એક જ વર્ષમાં એક્સપોર્ટનો આંકડો ઊંચો દેખાતા ડીઆરઆઈને આશંકા થઈ હતી. ડીઆરઆઈના ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓએ આ કંપનીના ડીરેક્ટરોની વૉચ રાખી ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હતી. જેમાં 12 ડિસેમ્બરના રોજ એક ડિરેક્ટરને અસલ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. અને તે પછી આ કૌભાંડ બહાર આવ્યું હતું. ડીઆરઆઈને આશંકા છે કે જે 90 ટકા પ્લાસ્ટિકના રદ્દી આર્ટિફિશિયલ કહેવાતા હીરા ઈમ્પોર્ટ થતા હતા તે હલકી જ્વેલરીમા મેન્યુફેક્ચરીંગ કરી વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા હતા. આ આખુ કૌભાંડ સરકારી યોજનાઓના લાભ લેવા અને હવાલા કૌભાંડ થકી કાળુ નાણું ફેરવવા થઈ રહ્યો હતો. ડીઆરઆઈ બે દિવસના રિમાન્ડ દરમિયાન આ કૌભાંડમાં સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હીરાના વેપારીઓ અને આંગડિયાઓને પણ વરુણીમાં લેશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ડીઆરઆઈ આજે સેઝમાં આવેલી કરોલીયા ડાયમંડ કંપનીમાં તપાસ કરશે
ડીઆરઆઈ દ્વારા આજે કોર્ટમાં ત્રણ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે જે કારણો આપવામાં આવ્યા હતા. તેમાં એક કારણ એ આપવામાં આવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા હજી કરોલીયા ડાયમંડની ફેક્ટરીમાં જઈ હીરાના સ્ટોક, ગુણવત્તા અને પ્રિમાઈસીસમાં હીરા કે રૂપિયા સંતાડ્યા હોય તો તેની તપાસ કરવાની બાકી છે. 10 ટકા નેચરલ ડાયમંડ સુરતમાં કોને વેચ્યા છે તેની તપાસ પણ બાકી છે. 675 કરોડ રૂપિયા હવાલાથી કોને મોકલ્યા છે, કયા આંગડિયાઓ મારફત મોકલ્યા છે. તેની પણ તપાસ બાકી છે એવાં કારણો રજૂ કરી કંપની પ્રિમાઈસીસમાં તપાસ માટે કાનુની મંજૂરી માંગી હતી જે કોર્ટે માન્ય રાખી છે.