સુરત: કતારગામમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી સરથાણામાં રહેતા વેપારીએ 20 લાખના હીરા તૈયાર કરવા માટે લઇ પરત આપ્યા ન હતા. વેપારીએ હીરાની માંગણી કરતાં સામેથી જવાબ મળ્યો કે, હાલમાં મારી પાસે હીરા નથી, તારાથી થાય તે કરી લે. આ બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સીમાડા નાકા પાસે યોગીદર્શન સોસાયટીમાં રહેતા અલ્પેશ ગોરધન પોકિયા કતારગામના વસ્તા દેવડી રોડ ઉપર આવેલી ડાયમંડ મર્ચન્ટ ફેક્ટરીમાં સવા વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. એક વર્ષ પહેલાં તેમની મુલાકાત સરથાણાના વ્રજવાટી સોસાયટીમાં રહેતા ભરત નાથા પાટોડિયા સાથે થઇ હતી. ભરત પાટોડિયા અલ્પેશની ઓફિસે આવ્યો હતો અને કહ્યું કે, હું તમને મજૂરીથી હીરા તૈયાર કરી આપીશ અને સમયસર પરત આપી દઇશ. અલ્પેશે ભરતને શરૂઆતમાં થોડા હીરા આપ્યા હતા. ભરત સમયસર હીરા પરત આપી જતો હતો. દરમિયાન ભરતે રૂ.20 લાખની કિંમતના 832 હીરા તૈયાર કરવા માટે લીધા હતા. સમયમર્યાદામાં હીરા પરત નહીં આવતાં અલ્પેશે ફોન કર્યો હતો. ત્યારે ભરતે કહ્યું કે, બે દિવસમાં હીરા તૈયાર કરીને આપી જાઉં છું. બે દિવસ બાદ અલ્પેશે ફરી ફોન કરતાં ભરતે કહ્યું કે, હાલમાં મારી પાસે હીરા નથી, તારાથી થાય તે કરી લે. અલ્પેશે ભરતના ઘરે જઇ તપાસ કરતાં તેના ઘરે તાળું મારેલું હતું. આ બનાવ અંગે ભરતની સામે કતારગામ પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
7.73 લાખનું પેમેન્ટ નહીં આપીને પિતા-પુત્ર અને દલાલ ભાગી ગયા
સુરત : મુલચંદ માર્કેટમાં વેપાર કરતા વેપારી પિતા-પુત્ર અને દલાલે ભેગા મળીને રૂા. 7.73 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વગર જ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ અલથાણ ડી.આર.બી કોલેજ પાસે આગમન હેરીટેજ ખાતે રહેતા કૌશિક મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.૪૭) પાંડેસરા બમરોલી રોડ આવકાર સોસાયટીમાં આશિષ ટેક્ષટાઈલ્સ નામથી ગ્રે કાપડ બનાવવાનું કામકાજ કરે છે. તેમની પાસેથી રીંગરોડની મુલચંદ માર્કેટમાં વેપાર કરતા વેપારી સતપાલ જમનાદાસ અરોરા, તેમના પુત્ર યતીન તેમજ કાપડ દલાલ અશોક નારંગ અને જીતેન્દ્ર જુનેજાએ મળીનેરૂા. 20.64 લાખનો માલ ખરીદ્યો હતો. જેમાંથી રૂા.12.90 લાખ આપી દીધા હતા અને બાકીના રૂા.7.73 લાખ આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા. વારંવાર પેમેન્ટની ઉઘરાણી કરવા છતાં પણ પેમેન્ટ નહીં મળતા આખરે કૌશિકભાઇએ અરોરા પિતા-પુત્ર તેમજ અન્ય બે દલાલોની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.