SURAT

તંત્ર દ્વારા હીરા બજાર બંધ કરવા દબાણ, પણ હવે વેપારીઓ બજાર બંધ કરવા તૈયાર નથી

સુરત: (Surat) શહેરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા તંત્ર દ્વારા બજારોને બંધ રાખવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉભી થઇ છે. પાલિકા દ્વારા બુધવારે મહિઘરપુરા હીરા બજાર (Diamond Market) બંધ રાખવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે હીરા વેપારીઓ (Traders) અને ડાયમંડ બ્રોકર એસોસિયેશના પદાધિકારીઓએ ઇન્કાર કર્યો હતો.

શહેરના કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગમાં દરરોજે લાખો લોકોની અવર-જવર હોવાથી પાલિકા અહીં કડક પગલા લઇ રહી છે. કાપડ માર્કેટમાં આરટીપીસીઆર ટેસ્ટ અને કોરોના વેક્સિનનું સર્ટિ. ફરજિયાત કર્યા બાદ બુધવારે બપોરે ડાયમંડ બ્રોકર એસોસિયેશનને મહિધરપુરા હીરા બજાર બંધ કરવા માટે સૂચના આપવામાં આવતા બપોરે એસોસિયેશનના પદાધિકારીઓની પાલિકાના અધિકારીઓ સાથે મહિધરપુરા પોલીસચોકીમાં મીટિગ થઇ હતી. જેમા પાલિકાએ હીરાબજારને બપોર પછી બંધ રાખવા જણાવ્યું હતું, જોકે એસોસિયેશનના પદાધિકારીઓએ ઇન્કાર કર્યો હતો. સુરત ડાયમંડ બ્રોકર એસોસિયેશનના નંદલાલ નાકરાણીએ જણાવ્યું હતું કે અમે પાલિકા દ્વારા બંધ કરાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. હીરા બજારના વેપારીઓ માસ્ક પહેરે છે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરે છે તે ઉપરાંત મોટાભાગના વેપારીઓએ ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન પણ લઇ લીધી છે. વારંવાર વેપારને ડિસ્ટર્બ કરવો યોગ્ય નથી.

વેપારીઓએ સમયમાં ઘટાડો કર્યો
શહેરમાં હાલ કોરોનાની વકરી પરિસ્થિતિને જોતા કેટલાક વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સમયમાં ઘટાડો કર્યો છે. વેપારીઓનું કહેવુ છે કે અત્યાર સુધી કેટલાક દલાલો કામ વગર ઓફિસ પર આવીને બેસી રહેતા હતા અને ટાઇમ પાસ કરતા હતા. પરંતુ હવે માત્ર જરૂરી કામ માટે જ ઓફિસ ચાલુ રહેશે. જેને પગલે કામકાજનો સમય ઘટાડવામાં આવ્યો છે.

ભારત ડાયમંડ બુર્સ શરૂ થતાં સુરતના હીરા ઉદ્યોગકારોને રાહત

મુંબઇમાં કોરોનાના કેસોમાં વધારો થતા રાજ્ય સરકારે તકેદારીના પગલે ભારત ડાયમંડ બુર્સને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાની સુચના આપી હતી. જેને પગલે હીરા ઉદ્યોગમાં ચિંતા ફેલાઇ હતી. હીરા ઉદ્યોગકારોએ આ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા બીડીબીમાં ઓફિસ ધરાવતા હીરા ઉદ્યોગકારોના 10 ટકા જેટલા સ્ટાફ સાથે ઓફિસો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

ભારત ડાયમંડ બુર્સને અનિશ્ચિતકાલ માટે બંધ કરાવવવા આવતા હીરા ઉદ્યોગકારોના કરોડોના પાર્સલો અટવાઇ જવાની આશંકા હતી. ગત વર્ષે પણ કોરોનાને લીધે દેશભરમા લોકડાઉનને લીધે ભારત ડાયમંડ બુર્સની ઓફિસ બંધ થતા સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકારોના કરોડો રૂપિયાના પાર્સલો અટવાઇ ગયા હતા. જોકે ત્યારબાદ સુરતથી હીરાની નિકાસ કરવામાં આવી હતી. હીરા ઉદ્યોગકારોને હાલ વિદેશોમાંથી મોટા પાયે ઓર્ડર મળ્યા છે પરંતુ જો ભારત ડાયમંડ બુર્સ બંધ થાય તો ઓર્ડર રદ થવાની શક્યતા હોવાથી ઉદ્યોગકારો ચિંતામાં મુકાઇ ગયા હતાં.

Most Popular

To Top