સુરત: (Surat) નાના વરાછા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હીરા કારખાનેદારનું (Diamond Manufacturer) કાપોદ્રા ધારુકાવાળા કોલેજના કમ્પાઉન્ડ પાસેથી ચપ્પુની અણીએ અપહરણ (Kidnapping) કરી લેવાયું હતું. વેપારીને એક બુકી દ્વારા તેની ઓફીસમાં ગોંધી રાખી માર મારી 2 કરોડની ઉઘરાણી કરીને જો પોલીસ (Police) ફરિયાદ કરશે તો પરિવારના સભ્યોને ઉપાડી લેવાની ધમકી અપાઇ હતી. હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
- ક્રીકેટ સટ્ટાના રૂ.2 કરોડની ઉઘરાણી માટે હીરા કારખાનેદારનું અપહરણ કરી માર મરાયો
- દિપક મોરડીયાનું ધારૂકાવાળા કોલેજ પાસેથી અપહરણ કરી એક ઓફીસમાં ગોંધીને માર મરાયો
- ત્રણ જણા ફોર્ચ્યુનર ગાડીમાં આવી કારખાનેદાર દિપકને ઉભો રાખી તેનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી ગયા
કાપોદ્રા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર નાના વરાછા ચીકુવાડી સીએનજી પંપ પાછળ નિર્મળનગર સોસાયટીમાં રહેતા હીરા કારખાનેદાર દિપક ગણેશભાઈ મોરડીયા (ઉ.વ.૩૫) સોમવારે રાત્રે 8 વાગ્યે કાપોદ્રા ધારૂકાવાળા કોલેજના કમ્પાઉન્ડનાં ગેટ પાસે કાર લઇને જઇ રહ્યા હતા ત્યારે કાપોદ્રા મમતા પાર્ક ખાતે રહેતા વિરલ ધનજી વાઘાણીનાં સાગરીત મુકેશ સહિત ત્રણ જણા ફોર્ચ્યુનર ગાડીમાં આવી કારખાનેદાર દિપકને ઉભો રાખી તેનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી ગયા હતા.
અને ચાલુ ગાડીમાં ચપ્પુ બતાવીને ડરાવી ધમકાવી માર માર્યોહતો. વિરલ ધનજી વાઘાણીએ પણ સટ્ટાના 2 કરોડ ક્યારે આપશે તેમ કહી માર માર્યો હતો અને જો પોલીસમાં ફરિયાદ કરશે તો તારા ઘરના સભ્યોને ઉપાડી જઇશું તેવી ધમકી આપી છોડી મુક્યો હતો. આ મામલે હીરા કારખાનેદાર દિપક મોરડીયાએ કાપોદ્રા પોલીસ મથકમાં વિરલ વાઘાણી, મુકેશ સહિત ત્રણ જણા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.