સુરત: (Surat) કોરોના કાળના દોઢ વર્ષ ખરાબ ગયા પછી સુરતના જ્વેલર્સની 2021ની દિવાળી (Diwali) સુધરી છે. દશેરા અને પુષ્ય નક્ષત્રમાં જ્વેલર્સે 100થી 120 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. મંગળવારે ધનતેરસનો (Dhanteras) શુભ દિવસ જ્વેલર્સને ફળ્યો હતો. બપોરે 2 વાગ્યા સુધી 40 ટકા સુધીનો વેપારનો લક્ષ્યાંક સિદ્ધ થઇ ગયો હતો. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધનતેરસના દિવસે 30થી 40 ટકા વેપાર વધુ રહ્યો છે. લોકોએ ગોલ્ડ જ્વેલરી અને ડાયમંડ જ્વેલરીની (Gold And Diamond Jewelry) સારી ખરીદી કરી હતી. આ વર્ષે સુરતના ચારેક જ્વેલર્સ દ્વારા લેબગ્રોન ડાયમંડની જ્વેલરીનું વેચાણ પણ કર્યું હતું.
- ગયા વર્ષની સરખામણીએ 30થી 40 ટકા વેપાર વધુ રહ્યો, લગ્નસરાં માટે ગોલ્ડ જ્વેલરી અને ડાયમંડ જ્વેલરીનું ધૂમ વેચાણ થયું
- સોના-ચાંદીના સિક્કાઓ, લગડી, વાસણો સહિત
એક અંદાજ પ્રમાણે 400થી 500 કિલો સુધી ચાંદીના સિક્કાઓનું વેચાણ થયું હતું. મંગળવારે ધનતેરસે પૂજાનું મહત્ત્વ હોવાથી ચાંદીનાં વાસણો ઉપરાંત 5, 10, 20, 50 અને 100 ગ્રામોના ચાંદીના સિક્કાઓનું ધૂમ વેચાણ થયું હતું. સાંજ સુધીમાં જ્વેલર્સને ત્યાં ચાંદીના સિક્કા મળવા મુશ્કેલ બન્યા હતા. પુષ્ય નક્ષત્રના પ્રમાણમાં 30 ટકા વેપાર વધુ થયો હોવાનો અંદાજ છે. સવારથી જ જ્વેલર્સને ત્યાં ભીડ જોવા મળી હતી. ટાવર રોડ, પીપલોદ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ, અડાજણ અને વરાછા, કતારગામના જ્વેલર્સને ત્યાં બપોર સાંજ અને રાતનાં 3 શુભ મુહૂર્ત પ્રસંગે વેઇટિંગની સ્થિતિ જોવા મળી હતી. ધનતેરસે ચાંદીનાં વાસણ, ઝાંઝર અને ભગવાનની મૂર્તિઓનું વેચાણ સારું રહ્યું હતું. સોનામાં પણ 2, 5 અને 10 ગ્રામના સિક્કાનું વેચાણ સારું રહ્યું હતું. લાઇટવેઇટ જ્વેલરીમાં સોનાના હાર, મંગળસૂત્ર, ચેઇન, લકી, બુટ્ટી અને વીંટીનું વેચાણ વિતેલાં બે વર્ષ કરતાં 20 ટકાથી વધુ હતું. સોનાના ભાવ સ્થિર હોવાથી લોકોએ રોકાણ માટે પણ લગડીની ખરીદી કરી હતી.
જ્વેલરી ઉદ્યોગ કોરોનાની અસરમાંથી કંઈક અંશે બહાર આવ્યો: નૈનેશ પચ્ચીગર
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (ઇબજા)ના ગુજરાત રિજયનના ચેરમેન નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે જ્વેલર્સની દિવાળીમાં દશેરા, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ એમ ત્રણેય ટૂંકી સિઝન ખરાબ રહી હતી. પરંતુ ચાલુ વર્ષે સુરતના વેપાર-ધંધા સારા ચાલતા માર્કેટમાં મની રોટેશન સારું થયું છે. તેના લીધે મંગળવારે ધનતેરસના દિવસે ગયા વર્ષની સરખામણીએ 30 ટકા વેપાર વધુ થયો છે. જ્વેલરી ઉદ્યોગ કોરોનાની અસરમાંથી બહાર આવ્યો છે. એક અંદાજ પ્રમાણે 150 કરોડ સુધીનો વેપાર ધનતેરસના શુભ દિવસે થયાનો અંદાજ છે.