સુરત: (Surat) રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના પગલે અમેરિકા દ્વારા રશિયાની ખાણ અલરોસા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, જેની અસર હવે સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. અલરોસાની રફ ખરીદી શકાય તેમ નહીં હોવાથી સુરતના હીરા ઉદ્યોગમાં (Diamond Industry) રફની (Rough) અછત ઉભી થઈ છે, જેના પગલે સુરતના હીરાના કારખાનાઓમાં કામકાજ ઘટી ગયા છે. આથી હીરાના કારખાનેદારો એ એવો નિર્ણય લીધો છે જેના લીધે સૌથી વધ સમસ્યા રત્નકલાકારો માટે ઉભી થઈ છે.
- અલરોસાના હીરા પર અમેરિકાના પ્રતિબંધ બાદ હીરાઉદ્યોગમાં રફની અછત સર્જાઈ
- હીરાના કારખાનેદારોએ રત્નકલાકારોના કામના કલાકોમાં બે કલાકનો ઘટાડો કર્યો
- એક પાળીમાં 8ના બદલે 6 કલાક જ ઉત્પાદન લેવાતું હોય કારીગરોના પગારમાં કાપ આવ્યો
- રફના મામલે હીરાઉદ્યોગમાં બે ગ્રુપ વચ્ચે ઝઘડો, જેના લીધે ઉદ્યોગમાં તનાવ
અલરોસાના (Alrosa) હીરા પર અમેરિકાના (America) પ્રતિબંધ પછી હીરા ઉદ્યોગકારોમાં રફ સપ્લાયની અછત સર્જાઈ છે. રફની અછતને પગલે રત્નકલાકારોના (Diamond Workers) કામના કલાકોમાં બે કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક પાળીમાં 8ને બદલે 6 કલાક જ ઉત્પાદન થઇ રહ્યું છે. અલરોસાના હીરા પર અમેરિકાના પ્રતિબંધ પછી હીરા ઉદ્યોગકારોમાં રફ સપ્લાયની અછત સર્જાઈ છે. રફનો મોટો સ્ટોક કરી બેસેલું એક ગ્રુપ એક મહિનો રફ સપ્લાય બંધ રાખવા માંગ કરી રહ્યું છે.
તો બીજું ગ્રુપ વિરોધ નોંધાવી રહ્યું છે. અમેરિકાએ યુક્રેન પર યુદ્ધ થોપવાને મામલે રશિયાની ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના બિઝનેસ એન્ડ ટ્રેડ ડિપાર્ટમેન્ટે ભારતના હીરા અને જ્વેલરી એક્સપોર્ટરોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે અલરોસાના તૈયાર હીરા કે હીરાજડિત જ્વેલરી અમેરિકા મોકલી શકાશે નહીં. જો ઉદ્યોગકારો બોગસ સર્ટિફિકેટથી છેતરપિંડી કરશે તો એના વેપાર પર વિપરીત પરિણામ આવશે. મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં સુરત-મુંબઈના એક્સપોર્ટરોની બેઠકમાં કોઈ સ્પષ્ટ નિર્ણય લઇ શકાયો નથી. વર્ષે 4 બિલિયનની રફ વાયા દુબઇ અને બીજી ચેનલોથી સુરત અને મુંબઇ આવે છે. આ રફને તૈયાર હીરામાં બદલી મોટા પાયે અમેરિકા મોકલવામાં આવે છે. અમેરિકામાં રશિયન ડાયમંડ કે જ્વેલરી વેચાશે નહીં. એટલે ઉત્પાદન પર કાપ મૂકવામાં આવ્યો છે.