સુરત: (Surat) કોપીરાઈટના મામલે ઇઝરાઈલની કંપનીની કાર્યવાહીના વિરોધમાં 2000 હીરાના (Diamond) કારખાનેદારો અને મશીનરી મેન્યુફેકચર્સ (Machine Manufacturers) સોમવારે વરાછા રોડ મીની બજારની પાટીદાર (Patidar) સમાજની વાડીના ગાબાણી હોલમાં સભા બોલાવી છે. સુરત ડાયમંડ એસોસિએશનના (Surat Diamond Association) આગેવાનોની હાજરીમાં ગેલેક્સિ અને પ્લાનરના સોફ્ટવેર, મશીનરી બનાવનાર ઉત્પાદકો સહિત 2000 હીરા કારખાનેદારો સોમવારે કાનૂની લડત માટે રણનીતિ તૈયાર કરશે.
હીરા ઉદ્યોગમાં આધુનિક ડાયમંડ મશીનરી ઉદ્યોગમાં મોનોપોલી ધરાવનાર ઇઝરાઈલની જાણીતી કંપનીને મળેલી બાતમીના આધારે 10 દિવસ પહેલા પોલીસ રક્ષણ મેળવી વરાછા, સુમુલ ડેરી રોડ અને કપોદ્રાની 4 લોકલ ડાયમંડ મશીનરી મેન્યુફેકચરિંગ કંપનીઓ સામે કોપીરાઈટના મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કંપનીઓ ઇઝરાયલની કંપનીના પ્લાનર મશીન અને ગેલેક્સીની કોપી કરતાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
એ ઉપરાંત 200 યુઝર્સ હીરાના કારખાનેદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેના વિરોધમાં આજે મશીનરી અને સોફ્ટવેર મેન્યુફેકચર્સ કંપનીઓના પ્રતિનિધિઓ અને યુઝર્સ એવા હીરાના કારખાનેદારો મળી 100 લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજીભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, મેન્યુફેકચર્સ અને યુઝર્સ મળી 100 લોકો રજૂઆત કરવા આવ્યા હતાં. કોપીરાઈટનો મામલો હોવાથી કાનૂની લડત આપવી પડે એમ હોવાથી અમે બધા ભેગા મળી પોતાનો બચાવ કરે એવું સૂચન કર્યું હતું. લીગલ ફાઈટમાં એસો.યુઝર્સને મદદરૂપ થશે.
ડોમેસ્ટિક મશીનરી ઉત્પાદક કંપનીઓ ડી-ડાયમંડ, એચએલટી, બી-જેમ્સ અને પી-જેમ્સના ટૂંકા નામથી જાણીતી કંપનીઓ સામે ઇઝરાયલની ST ના ટૂંકા નામથી જાણીતી કંપનીએ કોપી રાઈટ ભંગની કાર્યવાહી કરી છે. આ મામલે હવે ઇઝરાયલની કંપની ડુપ્લિકેટ મશીનરી ગેલેક્સિ બનાવનાર 4 કંપનીઓ અને વપરાશકર્તા 200 હીરા કારખાનેદારો સામે કોર્ટમાં કોપીરાઈટનો કેસ દાખલ કર્યો છે. એની સામે હીરા ઉદ્યોગમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.
ઇઝરાયલની કંપનીએ પ્રાઇવેટ ડિટેક્ટર મોકલી પ્રાઇવસી ભંગ કરી છે: દિનેશ નાવડિયા
સુરત: જીજેઈપીસીના રિજયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ડાયમંડ મશીનરી બનાવનાર ઇઝરાયલની કંપનીએ કોપી રાઈટનો કેસ શોધવા સુરતના હીરાના કારખાનાઓમાં જાસૂસી કરવા પ્રાઇવેટ ડિટેક્ટર મોકલ્યા હોવાના વીડિયો અને ફોટોગ્રાફ અમને ડાયમંડ કંપનીઓએ મોકલ્યા છે.એ રીતે વિદેશી કંપનીના પ્રાઇવેટ ડિટેક્ટરોએ ગેરકાયદે વેપારીઓના સ્વાંગમાં કારખાનાઓમાં પ્રવેશ કરી પ્રાઇવસી ભંગ કરી છે.હીરાના કારખાનામાં જાસૂસોએ વીડિયો ગ્રાફી, ફોટોગ્રાફી પણ કરી છે.અન્ય મશીનરીઓ અને હીરાના લોટની પણ વિડીયોગ્રાફી કરી છે. એ સ્થિતિ માં આ વિગતો કોઈ ગેંગ કે અસામાજિક તત્વો પાસે જાય તો હીરા ઉદ્યોગને મોટું નુક્શાન થવાની શક્યતા રહે છે.આ મામલે કારખાનેદારો લીગલ ઓપિનિયન લઈ કાનૂની કાર્યવાહી કરી શકે છે.